નવસારી: સમગ્ર દેશમાં કૃષિ અને સંલગ્ન ૭૪ યુનિવર્સિટીઓ પૈકી નવસારી કૃષિ યુનિવર્સિટીએ વર્ષ – ર૦૧૭માં શિક્ષણ સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરીને ધ્યાને લઈ દેશમાં નવમું સ્થાન અને રાજયમાં પ્રથમ સ્થાન હાંસલ કરેલ છે.
દેશની કૃષિ ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ભારતીય કૃષિ અનુસંધાન ૫રિષદનો કૃષિ શિક્ષણ વિભાગ દર વર્ષે દેશની યુનિવર્સિટીઓનું મુલ્યાંકન કરે છે. જેમાં યુનિવર્સિટીઓએ હાંસલ કરેલી સિધ્ધીઓ, સંશોધનો જેવા કે વિવિધ પાકોની નવી જાતો, વિદ્યાર્થીઓના શૈક્ષણિક ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ NET, JRF અને SRFમાં મેળવેલ સફળતા તેમજ ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલ વિદ્યાર્થીઓનું પ્રમાણ, વિવિધ પ્રોજેકટસનું સફળતા પૂર્વક અમલીકરણ, લાઈબ્રેરી સુવિધા અને ઉ૫યોગ, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓએ રજુ કરેલા સંશોધન પે૫ર, કૃષક સમાજ માટે હાથ ધરાયેલ વિસ્તરણ કાર્યક્રમો અને તેની અસરો વગેરે બાબતોને ધ્યાને લઈ મુલ્યાંકન કરી રેન્ક ફાળવે છે.
સમગ્ર દેશમાં નવમું સ્થાન અને દેશની રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી દક્ષિણ ગુજરાતને ગૌરવ અપાવવા બદલ કૃષિ યુનિવર્સિટીના કૂલપતિ ડો. સી. જે. ડાંગરીયાએ કૃષિ યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા વિસ્તારના ખેડૂતોને સહકાર બદલ અભિનંદન પાઠવી ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.