રાજ્યમાં આજે સવારથી વરસી રહેલા વરસાદે બપોરે ૨-૦૦ સુધીમાં ૨૦ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં સવારના ૮-૦૦ વગ્યા થી બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધીના ચાર કલાકમાં જ ગીરસોમનાથ જિલ્લાના ગીર-ગઢડામાં ૨૮૨ મી.મી. એટલે કે ૧૧ ઇંચથી વધુ અને બપોરના ૨-૦૦ વાગ્યા સુધીમાં વધુ એક ઇંચ મળી કુલ ૧૨ ઇંચથી વધુ અને ઉના તાલુકામાં ૨૫૮ મી.મી. એટલે કે ૧૦ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જોકે બપોરના ૧૨-૦૦ કલાક બાદ વરસાદનું જોર ઘટ્યું છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે બપોરે ૨-૦૦ કલાક સુધીમાં વઘઇ તાલુકામાં ૧૫૯ મી.મી. એટલે કે છ ઇંચ, જાફરાબાદમાં ૧૩૬ મી.મી. એટલે કે પાંચ ઇંચથી વધુ, જ્યારે મહુવા તાલુકામાં ૯૩ મી.મી., આણંદમાં ૯૨ મી.મી., રાજુલામાં ૮૩ મી.મી., પારડીમાં ૭૯ મી.મી., ખાંભામાં ૭૭ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત ધરમપુર તાલુકામાં ૬૯ મી.મી., વાઘરા અને ડોલવણમાં ૬૭ મી.મી., વાંસદામાં ૬૪ મી.મી, નવસારીમાં ૫૯ મી.મી. ભરૂચ અને ઉમરપાડામાં ૫૮ મી.મી. કરજણમાં ૫૩ મી.મી., નડિયાદ અને વલસાડમાં ૫૨ મી.મી. મળી કુલ ૧૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.