* તેરી મુસ્કરાહટે હૈં તાકત મેરી… *
મિત્રો… ગઇ યુગપત્રીમા આપણે જોયું કે, માણસને પ્રેમ થાય એટલે જીંદગી નાની લાગવા લાગે છે, એને બને એટલો સમય એના ગમતા વ્યક્તિ સાથે વીતાવવો હોય છે, પણ એની પાછળનું કારણ શું…!? તો એ કારણ આજની યુગપત્રીમાં જાણીએ અને માણીએ.
तेरी मुस्कुराहटें हैं ताक़त मेरी,
मुझको इन्ही से उम्मीद मिली,
चाहे करे कोई सितम ये जहां,
इनमें ही है सदा हिफाज़त मेरी,
ज़िंदगानी बड़ी ख़ूबसूरत हुई,
जन्नत अब और क्या होगी कहीं,
जो तू मेरा हमदर्द है,
जो तू मेरा हमदर्द है.
सुहाना हर दर्द है,
जो तू मेरा हमदर्द है वो…
ત્રો, કોઈપણ વ્યક્તિ આ ગમે એટલો કાયર કેમ ન હોય એ પણ દુનિયાના બધા દુઃખો સામે હસીને લડવા તૈયાર થઈ જાય, વિકટ પરિસ્થિતિ સામે બાથ ભિડવા તૈયાર થઈ જાય, બસ જરૂર છે એની સામે હસીને એટલું કહેવા વાળાની કે, ઉપાધિ કરતો નહીં હુ છું ને તારી સાથે. બસ આ એક વાક્ય એ વ્યક્તિ માટે એનર્જી ડ્રીંક જેવું થઈ પડે અને આટલુ સાંભળ્યા પછી તો મુસીબતોથી ઘેરાયેલ માણસ આફતની આંખમાં આંખ પરોવીને કહી શકે કે ચાલ થઈ જા માટી. બસ એને હસીને હિંમત આપવાવાળું કોઇક જોઈએ. હા, મુસ્કુરાહટમાં એક તાકાત છુપાયેલી છે, મુસ્કુરાહટમાં એક આશા છુપાયેલી છે. કોઈની સામે નિર્દોષતાથી કરેલું એક સ્મિત આપણને અને સામેવાળાને શાંતિ અને સલામતીનો અનુભવ કરાવે છે અને એમાંય જયારે આપણું પ્રિય પાત્ર આપણી સામે હસે ત્યારે તો જાણે વ્હાલના બારે મેઘ ખાંગા થતા હોઉં એવું લાગે. એના કરતા પણ આપણે જેને પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિ આપણાં લીધે જ્યારે હસે છે, ખુશ થાય છે ત્યારે તો એનો આનંદ જ કાંઈક અલગ હોય છે.આપણાં લીધે એનું દુખ ઓછું થઇને એ હસે ને ત્યારે એમ થાય કે આપણું હોવું હવે સાર્થક થયુ છે. હા, એક સાચો પ્રેમી પોતાના પ્રિય પાત્રને ક્યારેય દુઃખી જોઇ જ ના શકે. એને જ તો જીવન કહ્યુ છે.
किसी की मुस्कुराहटों पे हो निसार,
किसी का दर्द मिल सके तो ले उधार,
जीना इसीका नाम है ।
હા, આપણા હસવાથી આપણા પ્રિય પાત્રને એક બળ મળે છે. એક નવી આશા આપણાં હસવાથી એને મળે છે, એનાં આખા દિવસનો થાક આપણાં એક સ્મિત માત્રથી ઉતરી જતો હોય છે. મુસીબતોનાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે આપનું સ્મિત એનાં માટે એક આશાનું કિરણ સમાન હોય છે. માટે એવું લખાય કે,
तेरी मुस्कुराहटें हैं ताक़त मेरी,
मुझको इन्ही से उम्मीद मिली..
હા, પ્રિય પાત્રનું સ્મિત આપણને માત્ર આનંદ અને તાકાત નથી આપતું. એ સ્મિત આપણને હૂંફ અને સલામતીની અનુભૂતિ કરાવે છે. આપણને સુરક્ષિત અનુભવ કરાવે છે. આખી દુનિયાએ આપેલી પીડા એનાં એક સ્મિત માત્રથી ઓછી થઈ જાય છે. માણસ ત્યારે જ પાછો પડે છે જ્યારે એ એકલો પડી જાય છે. પણ એનાં બદલે જો કોઈ એક વ્યક્તિ એની સાથે હોય ને કે જે વ્હાલથી એનો હાથ પકડીને હસીને માત્ર એટલું કહે કે, “હશે જીંદગી છે ચાલ્યા કરે, બધુ બરાબર થઈ જશે હો..! બસ આટલુ જ કાફી હોય છે. એટલે ધોમધખતા રણમાં પણ માણસને શીતળતા અનુભવાય.ઍને સલામતી અનુભવાય અને એટલે જ તો લખાય કે,
चाहे करे कोई सितम ये जहां,
इनमें ही है सदा हिफाज़त मेरी,
જ્યારે આવુ થાય ને ત્યારે એવું લાગે કે હા હવે આપણી જીંદગી સેટ થઈ ગઇ છે. આપણાં જીવનની ગાડી હવે ટ્રેક પર પૂર ઝડપે દોડવા લાગી છે. જ્યારે આપણાં જીવનમાં આવુ કોઈ વ્હાલું આવે ને ત્યારે જીવનમાં ખરેખર વન જેમ હરિયાળી છવાઈ જાય છે. આપણને સદેહે સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઇ હોય એવું લાગે.! હવે આપણને સવાલ થાય કે સ્વર્ગમાં કેવું હશે. !? આપણે તો માત્ર વાતો સાંભળી છે, પણ સ્વર્ગની અનુભૂતિ એટલે બીજુ કાંઇ નહીં પણ જેને જોઈને રાતની ઉંઘ અને દિવસનો થાક બન્ને ઊડી જાય ને એ જ સ્વર્ગ, જેને જોઈને અમથું અમથું આપણાં દિલમાં વ્હાલ આવેને એ જ સ્વર્ગ,જેનાં ઍક સ્મિતથી આપણા પેટમાં પતંગિયા ઉડવા લાગે ને એનું નામ જ સ્વર્ગ, જેની કાજળઘેરી આંખોમાં ડૂબવાનું મન થાય ને એનું નામ જ સ્વર્ગ, ખુલ્લા આકાશ નીચે જેનાં ખોળામાં માથુ રાખીને ખોવાઇ જવાનું મન થાય ને એનું નામ જ સ્વર્ગ, દરિયાકિનારે ખુલ્લા પગે હાથ મા હાથ નાખીને આંટો મારવાનું મન થાય ને એનું નામ જ સ્વર્ગ, જેનાં માટે સવારે પાંચ વાગ્યે ઊઠીને ટિફિન બનાવવાનો થાક ન લાગે ને એનું નામ જ સ્વર્ગ, ટૂંકા પગારમાં પણ આખા ઘરમાં ખુશીઓ છલકાઈ ઉઠેને એનું નામ જ સ્વર્ગ, જયાં સાથે બેસીને રોજ જમી શકે ને એનું નામ જ સ્વર્ગ, જેનાં સુખે સુખી અને દુખે દુઃખી થઈ શકીએ ને એનું નામ જ સ્વર્ગ, જેને મળીને એમ લાગે કે જાણે આખા જીવનનો વિસામો મળી ગયો એનું નામ જ સ્વર્ગ, ટૂંકમાં જે આપણી સાથે હોય ત્યારે જીંદગી ખરેખર જીંદગી લાગેને એનું નામ જ સ્વર્ગ અને માટે એવું લખાય કે,
ज़िंदगानी बड़ी ख़ूबसूरत हुई,
जन्नत अब और क्या होगी कहीं,
બસ જેના સાથે હોવા માત્રથી આપણી બધી જરૂરિયાતો સંતોષાઇ જાય, આપણને એનાં સિવાય બીજુ કાંઇ ન જોઈએ એનું નામ જીંદગી અને આવી આપણાં જીવથી ય વધું વ્હાલી વ્યક્તિ જ્યારે આપણાં જીવનમાં ત્યારે ઍને કહેવાનું મન થાય ને કે,
जो तू मेरा हमदर्द है,
जो तू मेरा हमदर्द है,
सुहाना हर दर्द है,
जो तू मेरा हमदर्द है वो…
વધું આવતાં શુક્રવારે……
કોલમિસ્ટ :- યુગ અગ્રવાત