ગુજરાતમાં કોંગ્રેસની હાર સાથે આ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાર્યા ચૂંટણી જંગ
ગુજરાતમાં કોંગ્રેસે ગત વિધાનસભા કરતા વધુ બેઠકો મેળવવામાં સફળ રહી છે, પરંતુ સત્તાથી હજુ પણ દૂર રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ માટે પણ આ એક પ્રતિષ્ઠાનો જંગ હતો. કોંગ્રેસને સત્તમાં લાવવા માટે કરેલી મહેનતથી બેઠકોમાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ પોતાનો ગઢ સાચવવામાં નિષ્ફળ રહ્યાં છે.
આ નેતાઓને ચૂંટણીમાં મળેલી હાર ખૂબ જ આશ્ચર્યજનક સાબિત થઇ છે. ગુજરાત કોંગ્રેસના પ્રથમ હરોળના નેતાઓમાંથી એક એવા સિદ્ધાર્થ પટેલ ડભોઇ વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા હતા તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપાના શૈલેષ મેહતાએ ૨,૮૩૯ મતોની સરસાઇથી સિદ્ધાર્થ પટેલ સામે જીત મેળવી છે.
આવા જ એક દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપાના અગ્રણી નેતા બાબુભાઇ બોખરીયા સામે તેઓ પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા હતા અને માત્ર ૧,૮૫૫ની સરસાઇથી તેઓએ હાર મેળવી છે.
ગુજરાત કોંગ્રેસમાં મહત્વનું સ્થાન ધરાવનાર શક્તિસિંહ ગોહિલ માંડવીથી ભાજપાના વિરેન્દ્રસિંહ સામે ચૂંટણી લડી રહ્યા હતા. આ પ્રતિષ્ઠાના જંગમાં શક્તિસિંહ ગોહિલ ૯,૦૪૬ મતોથી હારી ગયા છે.
વિધાનસભા ચૂંટણીમાં મહુવા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ડો.તુષાર ચૌધરીને પણ હાર મળી છે. ભાજપાના મોહનભાઇ ડોડીયાએ તેમને ૬,૪૩૩ મતોની સરસાઇથી હાર આપી છે.
આમ આ પ્રતિષ્ઠાના જંગ એવા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓની હાર જોવા મળી છે.