રાજ્યના યુવક-યુવતીઓ માટે ઇન્ડિયન માઉન્ટેનિયરીંગ ફાઉન્ડેશન (IMF) દ્વારા હિમાચલ પ્રદેશમાં ૬૦૦૦ થી ૬૫૦૦ મીટરની ઉંચાઇ સર કરવા પર્વતારોહણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જોડાવા માટે રાષ્ટ્રીય કક્ષાની માઉન્ટેનિયરીંગ સંસ્થામાંથી બેઝિક અને એડવાન્સ માઉન્ટેનિયરીંગનો કોર્સ કર્યો હોય તેવા પર્વતારોહકો અરજી કરી શકશે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની યાદીમાં જણાવાયું છે.
આગામી જુલાઇ-ઓગષ્ટ ૨૦૧૮માં અંદાજે ૨૦ થી ૨૫ દિવસ માટે હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતી જિલ્લામાં આવેલા બારાશીગ્રી ગ્લેશીયર પર યોજાનાર આ પર્વતારોહણ અભિયાનમાં યુવાનોને ૬૦૦૦થી ૬૫૦૦ મીટરની ઉંચાઇ સર કરવાની ઉત્તમ તક મળશે. જેના માટે IMF દ્વારા અંદાજે ૨૦ જેટલા યુવક-યુવતીઓને પસંદ કરવામાં આવશે. ટેકનીકલ તજજ્ઞ તથા સાધનો આઇ.એમ.એફ. દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા પર્વતારોહકોએ દૈનિક રૂા.૩૫૦૦ પ્રમાણે ફી ચૂકવવાની રહેશે, તેમજ પોતાની જવાબદારી અને જોખમે જવાનું રહેશે. સફળ યુવાનોને અભિયાન પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા થયેલ ખર્ચના આર્થિક પુરસ્કાર માટે સહાય આપવા વિચારણા કરવામાં આવશે.