मैं अकेला ही चला था जानिबे मंजिल मगर,
लोग साथ आते गए और कारवां बनता गया…
મજરૂહ સુલતાનપુરીનો આ શે’ર એ દર્શાવે છે કે માણસ એ એક સામાજિક પ્રાણી છે. આદિકાળથી ચાલતું આવ્યુ છે કે માનવીને ક્યારેય એકલું રહેવું પસંદ નથી એટલે તો આદિમાનવ કબિલા બનાવીને રહેતો.
આપણને એવો પ્રશ્ન થાય કે આમ બધાની સાથે રહીએ એમા શું ફાયદો છે.!?ઉલ્ટાનું બધાંની સાથે રહેવાથી તો જવાબદારી વધી જાય, કામ વધી જાય, ખર્ચા વધી જાય, એનાં કરતા તો એય ને એકલાં રહેવું એ સારુ છે.! કાંઇ કામકાજની માથાકૂટ નહીં ને એય ને બંદા પરવર ઍકદમ આઝાદ જયાં જવું હોય ત્યાં આ નીકળ્યા ને જે કરવું હોય એ કરવા માટેની છૂટ ! કોઈ રોકે નહીં ને કોઈ ટોકે નહીં. પોતાની દુનિયાનાં રાજા થઇને ના રહીએ..!?! પણ ત્યારે એવું કહેવાનું મન થાય કે હા,આપણે એકલા રહીને પણ આપણી જીંદગી કાઢી શકીએ, પરન્તુ જિંદગીને માણી ના શકીએ. અરે ટેલિવિઝનની નાનકડી એવી જાહેરાત આપણને સમુહમાં રહેવાનો ફાયદો સમજાવે છે. ઍક ટીવી ચેનલની ટેગ લાઇન છે કે,
असली मजा तो सब के साथ आता है ।
અને એ વાત પણ સાચી છે એકલા માણસનું અસ્તિત્વ બહુ લાંબો સમય નથી ટકી શકતું. કોઈપણ માણસ હોય એનાં જીવનનો આધાર સંબંધો પર ટકેલો હોય છે. પછી એ માણસ શિક્ષિત હોય કે અશિક્ષિત, કપટી હોય કે માસુમ, લાગણીશીલ હોય કે વ્યવહારુ, પણ દુનિયાના દરેક માણસ પોતાના આગવા સંબંધોથી બીજાની સાથે જોડાયેલો હોય છે. તમે જ વિચારો ટીવી અને સમાચારપત્રમાં આવતાં આપઘાતના 70% કેસમાં એવું હોય છે કે એ વ્યક્તિ બધી બાજુથી નિઃસહાય બની જાય છે, એકલો પડી જાય છે ત્યારે અને આપઘાત કરવાનાં નબળા વિચાર આવે છે. માણસ જ્યારે એકલો પડી જાય છે ત્યારે ઍને વિચારો ઘેરી વળે છે, એ ડિપ્રેશનમા સરી પડે છે. ઍને ઍક એવો કાલ્પનિક ભય સતાવવા લાગે છે કે હવે એનાથી કાંઇ નહીં થઈ શકે .હકીકતમાં તો બધાં સાથે હોય તો પણ કોઈ ઍને કાંઇ નથી મદદ કરવાનું પણ ઘોર અંધકારમાં આપણાં ખભે ખાલી કોઈનો હાથ હોય ને તો પણ આપણે અચકાયા વગર લાંબુ ચાલી શકીએ છીએ. બસ કોઈનો સાથ હોવો જરુરી છે. અને એટલાં માટે જ આપણાં વેદમા પણ કહ્યુ છે કે,
ॐ सं गच्छध्वं, सं वदध्वं सं वो मनांसि जानताम्…
બધાને સાથે રાખીને ચાલવાનું છે.
એકલાં રહેતાં હોય ને ઘર ખોલતાની આખા દીવસનો ઉકળાટ મોં પર આવે એનાં કરતા 45 ડિગ્રિ તાપમાનમાંથી આવતાં હોય અને ઘરે આવતાની સાથે પિતાજીનું ઉમળકાભર્યું સ્મિત, માતાનો મીઠો ટહુકો, બહેનની ખાટીમીઠી મજાક, મોટાભાઈની નાનકડી ટપલી અને જેની સાથે સપ્તપદીના સાત ફેરા ફર્યા હોય એ આપણું અર્ધું અંગ કે જે દરેક વખતે હાથમાં હાથ પકડીને આપણી સાથે અડીખમ ઊભી રહેતી આપણી પત્નીનો પ્રેમ આ બધો વ્હાલ ભેગો થઇને આખા દિવસનો થાક ઉતારી નાખે. આપણાં બોલીવૂડના ઍક ગીતની પંક્તિ છે કે,
तेरा साथ है तो मुझे क्या कमी है,अंधेरो से भी मील रही रोशनी है …
મિત્રો,કદાચ એકલા ચાલીશુ તો ઝડપથી ચાલી શકીશું,પણ એટલાં ઝડપથી થાકી પણ જઈશું. અને જો બધાની સાથે ચાલીશું તો ધીરા ચાલીશું પણ લાંબા સમય સુધી ચાલી શકીશું.
માટે હવેની યુગપત્રીમાં મારે એ જ વાત કરવી છે કૈ આપણને જ્યારે કોઈ સમજવા વાળું, આપણી સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાવાળું મળી જાય ત્યારે જીવન કેટલું મજાનું બની જાય છે. હા,મારે વાત કરવી છે ફિલ્મ Ek Villain નાં ઍક ગીત કે જે music director Mithoon દ્રારા લખાયેલું અને કોમ્પૉઝ કરાયેલું અને અરજીત સિંહનાં કંઠે ગવાયેલું ઍક ગીત
जो तु मेरा हमदर्द है ।
તો આવતા શુક્રવારે મળીશું આ ગીત સાથે અને જો તમે હજી આ ગીત ના સાંભળ્યું હોય તો આજે જ યુટ્યુબ પર સર્ચ કરીને સાંભળવાની મજા લઇ લો જેથી કરીને આવતા અઠવાડિયે આ ગીતને થોડા વધું ઊંડાણથી માણી શકીએ, જાણી શકીએ.