વટસાવિત્રી વ્રત કરનારી મહિલાએ સવારે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારીને સ્નાન કરીને શુદ્ધ થઇ જવું. બાદમાં નવા વસ્ત્રો પહેરીને સોળ શ્રૃંગાર કરી લેવા. પૂજા સામગ્રીની ડાળીઓ થાળીમાં સજાવી લેવી. વડના વૃક્ષ નીચે સાફ સફાઇ કરીને થાળી ત્યાં મૂકવી. બાદમાં સત્યવાન સાવિત્રીની મૂર્તિ સ્થાપિત કરવી.
હવે ધૂપ, દિપ, સિંદુર વગેરેથી પૂજા કરવી. લાલ કપડા સત્યવાન અને સાવિત્રીને અર્પણ કરવા. વાંસના પંખાથી સત્યવાન સાવિત્રીને હવા નાંખવી. ત્યારબાદ સૂતરના દોરાને વડ સાથે બાંધીને 5,11,21,51,108 તમારી ઇચ્છા પ્રમાણે પરિક્રમા કરવી જોઇએ.
વાર્તા :
વટ સાવિત્રીનું વ્રત ઉત્તર ભારતમાં વિશેષ રીતે પ્રચલિત છે. કથા અનુસાર અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને કોઇ સંતાન ન હતુ. તેથી ઋષિમુનિઓએ સંતાન પ્રાતિ માટે યજ્ઞ કરાવ્યો. યજ્ઞના ફળ સ્વરૂપે રાજાની પત્નીને સારા દિવસો રહ્યા અને રાણીએ એક પુત્રીને જન્મ આપ્યો તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. લગ્ન કરવાની ઉંમરે સાવિત્રીએ સત્યવાનની વરણી પોતાના પતિ તરીકે કરી. આમ તો સત્યવાન રાજા હતા પરંતુ તેમનુ રાજ પાટ છીનવાઇ ગયુ હતુ અને તેઓ સાધારણ જીવન વ્યતિત કરતા હતા. તેમના માતા પિતાની આંખો પણ જતી રહી હતી. સત્યવાન જંગલમાંથી લાકડા કાપી અને વેચતા હતા, તેવી રીતે પોતાનુ ગુજરાન ચલાવતા હતા. એકવાર નારદ મુનિએ સાવિત્રીના પિતા અશ્વપતિને જણાવ્યુ કે સત્યવાન અલ્પાયુ છે. તે લગ્નના એક વર્ષ બાદ જ મૃત્યુ પામશે.
રાજા એમ પણ સત્યવાનની ગરીબીથી પરેશાન હતા. તેમણે સાવિત્રીને સમજાવવાની ઘણી કોશિષ કરી જોઇ પણ તે ના માની અને આખરે બંનેના લગ્ન થયા. એક વાર જ્યારે સાવિત્રી અને સત્યવાન વનમાં લાકડા કાપવા ગયા ત્યારે સત્યવાનના માથામાં અસહ્ય પિડા થવા લાગી અને તે સાવિત્રીના ખોળામાં માથુ રાખીને સૂઇ ગયા. થોડા સમય બાદ ત્યા યમાજ આવ્યા અને સત્યવાનના આત્માને લઇને દક્ષિણ તરફ ચાલવા લાગ્યા. સાવિત્રી પણ તેમની પાછળ ચાલવા લાગી.
યમરાજે કહ્યુ કે, હે પતિવ્રતા નારી મનુષ્ય સાથે જ્યાં સુધી તારે સંબંધ હતો ત્યાં સુધી તે સાથ નિભાવ્યો હવે તુ અહીથી જ પાછી વળી જા. તેના ઉત્તરમાં સાવિત્રીએ કહ્યુ કે જ્યાં સુધી મારા પતિ જશે ત્યા સુધી હું જઇશ ત્યારે યમરાજ આ સંભળીને ખુશ થયા અને વરદાન માંગવા કહ્યું. સાવિત્રીએ માંગ્યુ કે મારા સાસુ સસરાને આંખો નથી તેમને દેખતા કરી દો, યમરાજે તથાસ્તુ કહી દીધુ અને આગળ ચાલ્યા. હજૂ પણ સાવિત્રી યમરાજાની પાછળ ચાલતી હતી. યમરાજે બીજુ વચન માંગવા કહ્યુ ત્યારે તેણે કહ્યુ કે મારા પિતાના ત્યાં 100 પુત્રો થાય તેવા આશિર્વાદ આપો. યમરાજે તથાસ્તુ કહ્યુ અને આગળ વધ્યા. તેમ છતાં સાવિત્રી પાછળ ગઇ, યમરાજે બીજુ વચન માંગવા કહ્યુ ત્યારે સાવિત્રીએ કહ્યુ કે હુ સત્યવાન જેવા પુત્રની માતા બનવા માંગુ છુ ત્યારે યમરાજે સત્યવાનની આત્માને મુક્ત કરી દીધો. સાવિત્રી જ્યારે તે વૃક્ષ નીચે આવી ત્યારે સત્યવાન જીવીત થઇ ચૂક્યા હતા. સાવિત્રીના સાસુ સસરા જોતા થઇ ગયા અને તેને તેમનુ રાજ્ય પણ પાછુ મળી ગયુ હતુ.