કહેવાય છે કે દુનિયા સૌથી મોટી યુનિવર્સીટી છે. તો આપણે આજે થાઈલેન્ડ ના ક્લાસમાં ભણવાનું શરુ કરીએ. બરાબરને? ચાલો કેટલીક માહિતી આપુ. થાઈલેન્ડનો ઉત્તરનો ભાગ બર્મા, લાઓસ અને કમ્બોડિયાની સીમા સાથે જોડાયેલો છે. તો દક્ષિણનો છેડો મલેશિયાની દોસ્તી કરે છે. બેંગકોક તેની રાજધાની, આમતો આખું વર્ષ તમે થાઈલેન્ડમાં પ્રવાસ કરી શકો, છતાં ઉત્તમ સમય નવેમ્બરથી એપ્રિલ ગણી શકાય. સામાન્ય રીતે અહીંનું હવામાન ગરમ છે તેથી હળવા સુતરાઉ કપડા પ્રવાસ માટે ઉત્તમ રહેશે. પરંતુ મંદિર, પેલેસ કે મ્યુઝીયમ જોવા જાઓ ત્યારે વ્યવસ્થિત ગોઠણથી ખભા સુધીનું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા બાકી ફરવા જવા માટે તમે શોર્ટ્સ, સ્પેગેટી સ્ટ્રેપ, ટેંક ટોપ, સ્કર્ટ વગેરે કંઈ પણ પહેરી શકો. અરે આપણે તો થાઈલેન્ડમાં ફરવા માંડ્યા, પણ સરકારી કાર્યવાહી તો પતાવી જ નહિ. ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકોએ ૨૦૧૫થી બહુ ચિંતા કરવાની જરૂર રહી નથી તમે વિઝા ઓન એરાઈવલ લઇ શકો છો, જોકે તે માત્ર ૧૫ દિવસ સુધીના જ મળી શકે, જો વધારે રહેવાનો વિચાર હોય તો અગાઉથી વિઝા મેળવી લેવા ફરજીયાત છે. ચાલો હવે વાત આગળ વધારીએ.
તો બધી તૈયારી કરી લીધી? બેંગકોક નું ‘સુવર્ણ ભૂમિ ઇન્ટર નેશનલ એરપોર્ટ’ પચાસ જેટલી એરલાઇન્સની સેવાથી જોડાયેલું છે. આ શિવાય ચીન્ગ્માઈ, ફુકેટ અને સામુઈ ઇન્ટર નેશનલ એરપોર્ટ પણ અમુક દેશોથી સીધી હવાઈ સેવા પૂરી પડે છે. આખા દેશમાં વીસ કરતા વધારે ડોમેસ્ટિક એરપોર્ટસ આવેલા છે અને થાઈ એરલાઇન્સની સરસ સગવડ પણ છે. અલબત આ ઉપરાંત , નોક એર, એર અશિયા જેવી બજેટ એર લાઈન પણ છે.
થાઈલેન્ડમાં ફરવા માટે માત્ર હવાઈ મુસાફરી જ કરવી પડે તેવું નથી. રેલ મુસાફરી પણ શક્ય છે. અહીં જરા જણાવું કે દેશના મુખ્ય ચાર પ્રદેશોમાં જવા માટે દરેક રેલ્વે લાઈન બેંગકોક સાથે જોડાયેલી છે. રેલ યાત્રા પ્રમાણમાં બસ કરતા ઝડપી અને આરામદાયી છે. દેશના મુખ્ય તહેવારો દરમ્યાન જો યાત્રા કરવી હોય તો પહેલેથી બુકિંગ કરાવી લેવું વધારે સારું.
આમ છતાં જ્યાં રેલ્વે નથી પહોચતી ત્યાં જવામાટે બસ સારો વિકલ્પ છે. BOR KOR SOR એ ત્યાંની ગવર્મેન્ટ દ્વારા ચલાવતી બસ સેવા છે. અલબત પ્રાઇવેટ બસ સેવા પણ ઉપલબ્ધ છે. તેમાં સામાન્ય અને એરકન્ડીશન બંને પ્રકારની બસ સેવા મળી રહે છે. જો તમારે જરા જુદા અને અસામાન્ય સ્થળોની મુલાકાત લેવી હોય, પોતાની અનુકુળતાએ ફરવું હોય તો કાર પણ ભાડે લઇ શકાય. પણ જાતે ડ્રાઈવ કરવું હિતાવહ નથી. બેંગકોક શહેરમાં ફરવા માટે ટુક ટુક એટલે ભારતની રીક્ષા મળે છે. ટુક-ટુક સવારી કરતા પહેલા તેનું ભાડું ભાવતાલ કરી અગાઉથી નક્કી કરી લેવું તેવી મારી સલાહ છે. ત્યાંની નદીમાં બોટ પણ ચાલે છે. જેને વોટર ટેક્ષી પણ કહે છે. બોટ માટે સ્ટોપ છે અને તેના અંતર પ્રમાણે ટીકીટ હોય છે. આ મજા જરૂર માણજો. નદીના બંને કાંઠે આવેલા જોવાલાયક સ્થળો અને રાત્રીના સમયે તેની રોશની જોવાની ખુબ મજા આવે છે. આમ દિવસની મુસાફરી અને રાતની મુસાફરીમાં બંને જુદા અનુભવો થાય છે, પાછું સાવ સસ્તામાં.
આજકાલ બધા લોકો કોઈ ને કોઈ ઈલેક્ટ્રીક સાધનો વાપરતા જ હોય છે. અહીં પણ ૨૨૦ વોલ્ટ વપરાય છે, આથી સામાન્ય રીતે ભારતથી આવતા પ્રવાસીઓ નિશ્ચિંત રહે છે, પણ ના એવું નથી. અહીંની પ્લગ પીન નો આકાર જુદો છે.( NEMA 1-15 JIS C 8303) અથવા ( Europlug CEE 7/16) કેમ ગુંચવાઈ ગયા? ચિંતા કરવાની જરૂર નથી અહીં મલ્ટી એડેપ્ટર મળે છે. જે તમારા દરેક સાધનો માટે અનુકુળ રહેશે. હા, જો તમારી પાસે તે હોય તો સાથે લેતા આવવું. લગભગ બધી જ હોટલમાં INTERNET અને આંતર રાષ્ટ્રીય ફોનની સગવડ મળી રહે છે.
અહીંનું ચલન બાથ ( Bath) નામે ઓળખાય છે. 1000, 500, 100, 50, 20 બાથની નોટો હોય છે. 1,2,5,10,25,50 ના સિક્કા જેને (Satangs) કહેવાય છે. (100 satangs = 1 Bath) લગભગ દરેક બેંકમાં અને શોપિંગમોલમાં ATM આવેલા હોય છે અને VISA, MASTER CARD સહેલાયથી ચાલે છે. ટ્રાવેલર્સ ચેક તમે બેંકમાં વટાવી શકો છે ત્યાં તમારે પાસપોર્ટ કે કોઈપણ ફોટો ID સાથે લઈ જવુ જરૂરી છે. સામાન્ય રીતે બેંકના કામકાજનો સમય 9 થી 4 નો હોય છે. પણ જે બેંક શોપિંગ મોલની અંદર આવેલી હોય છે તેનો સમય 10.30 થી 20.૦૦ એટલેકે મોલના સમય પ્રમાણે જ હોય છે. હવે તમારી પાસે ઘણી બધી માહિતી આવી ગઈ આમ છતાં કોઈ માહિતી જોઈતી હોયતો ત્યાના લોકોને પૂછી શકો. લગભગ બધ લોકો અંગ્રેજી જાણે છે. જોકે ત્યાંની રાષ્ટ્ર ભાષા તો થાઈભાષા છે. તો ચાલો હવે ત્યાંના જોવાલાયક સ્થળો અને કરવા લાયક પ્રવૃત્તિની વાતો આવતા સપ્તાહમાં કરીશું.
-નિસ્્પૃહા દેસાઈ