ગમતાનો કરીએ ગુલાલ
“ રહે છે આમ તો શયતાનના કબ્જામહીં તો પણ,
“જલન” ને પૂછશો તો કે`શે એ બંદા ખુદાના છે.”
– “જલન“ માતરી
આ શેરમાં શાયર જલનજીએ બે પ્રકારની વાત કરી હોય તેવું મને લાગે છે. પહેલો અર્થ મને એવો દેખાય છે કે હું પોતે જાણે કે શૈતાનના કબ્જામાં રહું છું તે છતાં જો મને તમે મારા વિશે પૂછશો તો હું તો એમ જ કહીશ કે હું ખુદાનો બંદો એટલે કે ભગવાનનો ભક્ત અથવા તો દૂત છું. બીજો અર્થ મને એવો જણાય છે કે જે લોકો શયતાનના કબ્જામાં છે તેમના વિશે જો મને કોઇ કશું ય પૂછશે તો પણ હું તો એમ જ કહીશ કે એ બધા પણ ખુદાના બંદા જ છે. આમ અહીંયાં શાયરનો જે કહેવાનો ઇરાદો છે તે એવો છે કે ભલે અમારે શૈતાનની છત્ર છાયામાં રહેવું પડતું હોય કે રહેવાનું આવ્યું હોય તો પણ અમે તો બધા ખુદાના એટલે કે પ્રભૂના પ્યારા ભક્તો જ છીએ અને ભક્ત હોવાના લીધે એ શૈતાન અમને કશું કરી શકવાનો નથી. જો અમારું દિલ અને મન પવિત્ર હોય તો બહારની મેલી છાયા કે કોઇના બદ ઇરાદા અમને કંઇ જ કરી શકશે નહિ.
આમ અહીંયાં શાયરે સદભાવના અને પવિત્રજીવન તેમ જ અન્યને મદદરૂપ થવા માટે ફરિશ્તાઓ જે પ્રકારે કાર્યો કરતા હોય છે તે બાબતે આપણને અંગુલિ નિર્દેષ કરેલ છે. સંજોગ વશાત અમારે કોઇ અયોગ્ય વ્યક્તિની શરણમાં જવું પડશે તો પણ અમે તો સદાય પવિત્ર અને ઇશ્વરનું કામ કરનારા નેક બંદાની જેમ જ જીવવાના છીએ. અમે ક્યારેય કોઇનું કશું ખરાબ કરવાના નથી જ. કવિએ પોતાનું સારાપણું નહિ છોડવા માટે છૂપો ઇશારો આપણને સૌને કરેલ છે.
અનંત પટેલ