શેરડીના ખેડૂતોને ખર્ચ મૂલ્ય કરતા ૮૦ ટકા વધુ લાભ અપાશે મોદી

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

શાહજહાપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં આક્રમક રેલી યોજી હતી. આ રેલીમાં મોદીએ લોકસભામાં તેમની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની પણ વાત કરી હતી અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી હતી. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ભાજપની સામે ઘણી બધી પાર્ટીઓ એક સાથે આવી ગઈ છે પરંતુ આનાથી વધારે કમળ ખીલશે. અમને લોકો પૂછી રહ્યા છે કે અવિશ્વાસ માટેનું કારણ શું છે. પરંતુ અવિશ્વાસ માટેનું કારણ કોઈને પણ સમજાઈ રહ્યું નથી.

શાહજહાપુરમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે વિરોધ પક્ષો ભયભિત થઈ ગયા છે અને ભાજપ સામે સંગઠિત થઈ રહ્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયાના આગલા દિવસે મોદીએ યુપીના શાહજહાપુરમાં કિસાન રેલી યોજી હતી. અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવાના પરિણામ સ્વરૂપે તેમની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે અમે તેમને તેમને પ્રશ્ન કરીએ છે કે અવિશ્વાસ માટેનું કારણ શું છે પરંતુ જ્યારે કારણ બતાવી શકતા નથી ત્યારે ગળે પડી જાય છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વધારે મજબૂત દેખાવ સાથે મેદાનમાં ઉતરશે. રાહુલની ઝપ્પીને સંસદથી નિકળીને રેલી સુધી લઈ જવાની બાબત આગામી ચૂંટણીમાં આને મુદ્દો બનાવવનો સંકેત મોદીએ આપી દીધો છે.

મોદીએ શેરડીના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે હવે શેરડીના ખેડૂતોને ખર્ચ મૂલ્ય કરતા ૮૦ ટકાનો સીધો લાભ આપવામાં આવશે. આ ગાળા દરમિયાન મોદીએ પોતાની સરકારની અવધિ દરમિયાન ખેડૂતોના હિતમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓના સંદર્ભ માહિતી આપી હતી.

મોદીએ કહ્યું હતું કે ૯૦ હજાર કરોડ રૂપિયા જે કોઈ અન્ય જગ્યાએ જતા રહેતા હતા તે હવે યોગ્ય વ્યક્તિની પાસે પહોંચે છે જેના પરિણામ પરિણામ સ્વરૂપે કેન્દ્ર સરકારની સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી છે. આ અવિશ્વાસની દરખાસ્તો એમ આવતી નથી. ૯૦ હજાર કરોડ રૂપિયાની ઉંચાપત બંધ થઈ ગઈ છે જેથી અનેક દુકાનો બંધ થઈ ગઈ છે. ખોટા કામોને કોઈ માણસ બંધ કરી દે, મફતની કમાણી બંધ થઈ જાય, ભ્રષ્ટાચારને બંધ કરી દેવામાં આવે તો તે વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી શકાશે નહીં. વિપક્ષની તકલીફ એ છે કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદની વચ્ચે તેઓ ઉભા છે.

મોદીએ કહ્યું હતું કે ગઈકાલે લોકસભામાં તેઓ પોતાનું કામ કરી ચુક્યા છે. ગઈકાલે લોકસભામાં જે થયું તેનાથી કોઈ વ્યક્તિ સંતુષ્ટ છે કે કેમ. કોંગ્રેસ પાર્ટીના લોકોએ શું ખોટુ કર્યું તે લોકો જાણી ચુક્યા છે. ખુરશી માટે કઈ રીતે દોડી રહ્યા હતા તે વાત લોકો જાઈ ચુક્યા છે. વડાપ્રધાનની ખુરશી સિવાય તેમને કઈ દેખાતું નથી. દેશ પણ દેખાતો નથી અને દેશના ગરીબો પણ દેખાતા નથી.

તેમણે ઉમેર્યું હતું કે મોદીની પાસે દેશની જનતા અને બાબા સાહેબ આંબેડકરના બંધારણની તાકાત છે. મહાગઠબંધનની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે અહંકાર અને દમનના સંસ્કાર આજે યુવા ભારત સહેન કરવાની સ્થિતિમાં નથી. સાઈકલ હોય કે પછી હાથી હોય કોઈપણ હોય સ્વાર્થના આ સમગ્ર સ્વાંગને દેશના લોકો સમજી ચુક્યા છે. સમય બદલાઈ ચુક્યો છે, દેશના લોકો બદલાઈ ચુક્યા છે. દેશના યુવાનોના મિજાજ બદલાઈ ચુક્યા છે. દેશની પુત્રીઓ જાગી ચુકી છે. હવે વિરોધ પક્ષો જે ક્યારેય એકબીજાને જાઈ શકતા ન હતા તે સાથે આવી રહ્યા છે પરંતુ વધારે કિચડમાં કમળ વધારે ખીલી ઉઠે છે.

મોદીએ કહ્યું હતું કે તેમની સરકારની પ્રાથમિકતા દેશના દરેક ખેડૂત પરિવારને સન્માન થાય તેની રહેલી છે. ઉત્તર પ્રદેશ સરકારની પણ આ જ પ્રાથમિકતા છે. લઘુત્તમ સમર્થન મૂલ્યમાં જે રીતે વધારો કરવામાં આવ્યો છે તેવો વધારો અગાઉ ક્યારેય પણ કરાયો ન હતો. ૧૪ પાકના સરકારી મૂલ્યમાં ૨૦૦ રૂપિયાથી ૧૮૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ખાંડ મિલો નુકસાનના બહાના ન કરી શકે તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. પહેલા પૈસા ખાંડ મિલોને આપવામાં આવતા હતા પરંતુ હવે ભાજપ સરકારે ખેડૂતોના ખાતામાં સીધી રીતે પૈસા જમા કર્યા છે અને તેમના હક આપ્યા છે.

મોદીએ કહ્યું હતું કે જ્યારે જરૂર કરતા વધારે ખાંડનું ઉત્પાદન થાય છે ત્યારે ખેડૂતોના પૈસા ફસાઈ જાય છે તેથી સરકારે નિર્ણય કર્યો છે કે શેરડીથી માત્ર ખાંડ જ નહીં બલ્કે વાહન માટે ઈંધણ બનાવવામાં આવશે. ઈથેનોલ નાવવાની ટેકનોલોજી નવી નથી. આના ઉપર કામ ચાલી રહ્યું છે.

Share This Article