વડોદરા પાસે તસ્કરોએ ખેડૂતના મકાનમાંથી ૫.૯૩ લાખની ચોરી કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામની સીમમાં આવેલા ખેતરમાં બાંધેલા મકાનને રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને નિંદ્રાધીન પરિવારના મકાનની પાછળની દીવાલ ઉપર આવેલી બારીની સેફ્ટી ગ્રીલના સળીયા કાપી ઘરમાં તસ્કરો ઘરમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલા ૧૧૦ યુએસ ડોલર, ૧૮૦ યુકે પાઉન્ડ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૫,૯૩,૪૦૦નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે વરણામા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. વડોદરા નજીક વરણામા ગામ પાસે પાતરવેણી ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં બે માળનું મકાન બનાવીને સુરેશકુમાર રતિલાલ પટેલ તેમના પત્ની પુત્ર આકાશ અને પુત્રવધૂ સાથે રહે છે અને ખેતી કામ કરે છે. તેમનો બીજો પુત્ર હેમાંક એક-બે વર્ષથી કેનેડામાં રહે છે.

રાત્રે પરિવાર પોત-પોતાના રૂમોમાં સૂઈ ગયું હતું. દરમિયાન રાત્રે કોઈ અજાણી વ્યક્તિઓ તેઓના મકાનની પાછળી દીવાલ ઉપર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલના સળીયા કાપી ઘરમાં ઘૂસી ગયા હતા. રાત્રીના સુરેશભાઈ પટેલને ઘરમાં અવાજ સંભળાતા તેઓ જાગી ગયા હતા. કોણ છે ? તેવો અવાજ કરતા કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી તેમણે વોશરૂમમાં પણ તપાસ કરી હતી. પરંતુ, કોઈ દેખાયું ન હતું. દરમિયાન તેઓ નીચેના માળે આવી બીજા રૂમમાં જોતા એક વ્યક્તિને મોંઢા ઉપર કપડું બાંધેલો જોયો હતો. જે તુરંત જ બીજા દરવાજાથી ફરાર થઇ ગયો હતો. રાત્રીનો સમય હોવાથી અને હુમલો કરી શકે છે તેવા ડરના કારણે પીછો કર્યો ન હતો. સુરેશભાઇ પટેલે બેડરૂમમાં જઈને તપાસ કરતા તિજોરીનો સામાન વેર-વિખેર જણાઇ આવ્યો હતો. તિજોરીનો સામાન વેર-વિખેર જોઇ ચોંકી ઉઠ્‌યા હતા. ત્યારબાદ તેઓએ પરિવારજનોને ઉઠાડ્યા હતા. ત્યાર બાદ વરણામા પોલીસને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસ આવ્યા બાદ તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાં મુકેલ ડોલર, પાઉન્ડ,સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમ જણાઈ આવી ન હતી. દરમિયાન, સુરેશભાઇ પટેલે વરણામા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Share This Article