સુજલામ સુફલામ જળસંચય અભિયાન સંદર્ભે રાજ્યના નર્મદા નિગમની યાદીમાં જણાવ્યાનુસાર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ સફાઇ તેમજ મરામતના કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે. રાજ્યના ૧૬ જિલ્લાઓના ૬૫ તાલુકામાં હાથ ધરાયેલી સઘન કામગીરી અંતર્ગત તા.૧૬ મે સુધીમાં ૪૧૦૦ કિ.મી. લંબાઇની નર્મદા નહેરમાં સફાઇ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કિસાનોએ નહેર સફાઇની કામગીરીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આપીને વિરાટ જનશક્તિના દર્શન કરાવ્યા છે. આ જ રીતે ૨,૫૭૭ કેનાલ સાયફનની સફાઇ કામગીરી પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત આ અભિયાન અંતર્ગત નહેરની મરામતની કામગીરી પણ હાથ ધરાઇ છે જે અનુસંધાને ૯૨૫ કિ.મી. લંબાઇની નહેરમાં મરામતની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત જનસહભાગિતાથી કરવામાં આવેલી આ કામગીરીના કારણે નહેરમાં સરળતાથી પાણીનો પ્રવાહ વહી શકશે એટલું જ નહીં કિસાનોના છેવાડાના ખેતર સુધી સતત પાણી ઉપલબ્ધ થઇ શકશે. આ કામગીરીથી કમાન્ડ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હોવાનું પણ નિગમની યાદીમાં જણાવાયું છે.
ગુજરાત સ્થાપના દિન ૧મે થી રાજ્યભરમાં સુજલામ્ સુફલામ્ અભિયાનનો શુભારંભ કરાયો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનનો શુભારંભ કરાવ્યા બાદ ૧૬-મે સુધીના પ્રથમ ૧૬ દિવસમાં નર્મદા યોજનાનો કેનાલ નેટવર્કમાં સફાઇ અને મરામતની કામગીરીમાં જનશક્તિનું વિરાટ દર્શન થઇ રહ્યું છે.