૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદથી યુવતીને હોસ્પિટલમાં સારવાર અપાઈ
સુરતઃ આજના આધુનિક યુગમાં ભુતપ્રેત, વળગાડ જેવી અનેક અંધશ્રધ્ધાઓ સમાજમાં પ્રવર્તી રહી છે. જેમાં અનેક લોકો તેનો ભોગ બન્યા છે. આવો જ એક બનાવ તાજેતરમાં સૂરત ખાતે બન્યો હતો. એક ત્રાહિત વ્યક્તિએ ૧૮૧, મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું કે, એક યુવતીને તેના પરિવારજનો જબરદસ્તીથી હોસ્પિટલમાંથી ચાલુ સારવારે લઈ આવ્યા છે. જેને સારવારની જરૂર છે. કોલ મળતાની સાથે ઉમરા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત રેસ્કયુ વાન તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચીને યુવતીને શોધી કાઢી હતી. યુવતીની સ્થિત ખુબજ નાજુક હોવાથી તાત્કાલિક ૧૦૮, ઈમરજન્સી એબ્યુલન્સ બોલાવી સારવાર અપાવી હતી.
બનાવની વિગત એવી છે કે, મૂળ પશ્વિમ બંગાળનું એક પરિવાર વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલ છે. તેમના પરિવારની એક ૨૦ વર્ષની યુવતી નાનપણ થી જ બીમાર રહે છે. જેને નાની મોટી સારવાર આપવામાં આવતી હતી છેલ્લા ૧૫ દિવસથી તેની શારીરિક-માનસિક હાલત બગડતા સોનલ નર્સિગ હોમમાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ હતી. તે ખુબ જ અશક્ત થઈ ગઈ હતી તેમજ બોલી પણ શકતી ન હતી. દરમિયાન યુવતીના મામા મામી તેમના વતન માંથી સુરત આવ્યા હતા. જેઓને એ પરિવારને એમ જણાવ્યું કે આને કોઈએ મેલી વિદ્યા કરેલ છે. જેથી તાંત્રિક વિધિ કરાવવા તેને વતનમાં લઇ જવી પડશે. યુવતીના મોટા ભાઈએ તેનો વિરોધ કર્યો હતો કે, તેને વતનમાં લઇ જવી નથી તેની હાલત ખુબ જ નાજુક છે. તેને કોઈ વિધિની જરૂર નથી પરંતુ ટ્રીટમેન્ટની જરૂર છે, પરંતુ પરીવાર તથા તેના મામા-મામી તેની સાથે સંમત થયા ન હતા. ચાલુ સારવાર માંથી રજા લઇ ઘરે આવી પહોચ્યા હતા.તેઓએ યુવતીને લઈને વતનમાં જવાના હતા. યુવતીના ભાઈએ તેનો વિરોધ કરતા તેમની સાથે ઝપાઝપી થઈ ગઈ હતી. જેથી આખરે યુવકે મદદ માટે ૧૮૧, મહિલા હેલ્પલાઇન ને કોલ કર્યો હતો.
૧૮૧, મહિલા હેલ્પલાઇનની રેસ્કયુવાન ઘટના સ્થળે પહોચી ત્યારે પરિવારના લોકોએ જણાવ્યું કે, તેની ધાર્મિક વિધિની જરૂરિયાત છે જે કરાવતા તેને સારું થઈ જશે. યુવતીના ભાઈએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી તેઓ નાની મોટી ધાર્મિક વિધિઓ ભૂવાઓ પાસે કરાવી છે. જેથી મારી બહેનની હાલત વધુ બગડી છે. યુવતીના પરિવારના લોકોએ ટીમને પણ યુવતીને મળવા ન દેતા તેઓની સાથે ઘર્ષણ થતા પોલીસની મદદ મેળવી યુવતીના રૂમ સુધી પહોચ્યા હતા. જ્યાં યુવતીની હાલત ખુબ જ નાજુક હોવાથી ટીમ દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. જ્યાં એમ્બુલન્સમાં પ્રાથમિક સારવાર ચાલુ કરી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આમ વર્તમાન વિજ્ઞાન-ટેકનોલોજી યુગમાં પણ આવી અંધશ્રધ્ધા ને કારણે વ્યક્તિઓના જીવન જોખમમાં મુકાય રહ્યા છે.