અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી હોટલ-મકાનમાં ચાલતા દેહવ્યાપારના ધંધા પર પોલીસે સખત કાર્યવાહી કરી તેનો પર્દાફાશ કર્યો હતો. નિકોલ પોલીસે ટોરેન્ટ પાવર પાસે આવેલી હોટલ શ્રીનાથમાં અને મેઘાણીનગર પોલીસે મેધા મેટરનીરી હોસ્પિટલ સામે ખાંચામાં ચાલતા દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરી આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના દરોડા દરમ્યાન પરપ્રાંતીયો ત્રણ યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નિકોલ પોલીસે બાતમીના આધારે હોટલ શ્રીનાથમાં બનાવટી ગ્રાહક મોકલી અને હોટલમાં ચાલતા દેહવ્યાપારને ઝડપી પાડ્યો હતો. પોલીસે હોટલ માલિક ગણપતલાલ પાટીદાર, મેનેજર દિપક પટેલ અને દલાલ સન્ની ધામવાણીની ધરપકડ કરી હતી. જ્યારે જય પટેલ નામનો દલાલ ફરાર થઇ ગયો હતો. હોટલમાંથી મુંબઈ, દિલ્લી અને પશ્ચિમ બંગાળની ત્રણ યુવતીઓ મળી આવી હતી. યુવતીઓએ જણાવ્યું હતું કે,સન્ની અને હોટલ માલિક દેહવ્યાપાર માટે લાવ્યા હતા. ગ્રાહક દીઠ તેમને ૨૦૦૦ રૂપિયા આપતા હતા. દરમ્યાન આ જ પ્રકારે મેઘાણીનગર પોલીસે પણ મેધા મેટરનીરી હોસ્પિટલ સામે ખાંચામાં ઘરમાં બે મહિલાઓ દેહવ્યાપારનો ધંધો કરતી હોવાની બાતમીના આધારે રેખાબેન ઝાલા અને નગમા પઠાણની ધરપકડ કરી હતી. પોલીસને ઘરમાંથી એક ગ્રાહક હર્ષ પટેલ પણ મળી આવ્યો હતો. જેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મકાનમાલિક સંજના જાનગીડ મળી આવી ન હતી. પોલીસે તેને શોધવાના ચક્રો પણ ગતિમાન કર્યા હતા.