અમદાવાદ : અમદાવાદ સહિત રાજયભરમાં ઊતરાયણનો તહેવાર ભારે હર્ષોલ્લાસ મનાવાયો હતો ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં વાસીઊતરાયણના દિવસે પાટીદારો અનોખી અને નોંધનીય ઊતરાયણ મનાવી હતી, નોંધનીય એટલે કે, પાટીદાર યુવક-યુવતીઓએ તાજેતરમાં મોદી સરકાર દ્વારા સર્વણોને ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ જાહેર કર્યો તેને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પતંગ આકાશમાં ચગાવી જાહેર આભાર વ્યકત કર્યો હતો અને પોતાની ખુશી વ્યકત કરી હતી.
આ પ્રસંગે બાપુનગર ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નરસિંહભાઇ પટેલે વડાપ્રધાન મોદીનો સવર્ણોને અનામતનો લાભ આપવાનો નિર્ણય ઐતિહાસિક અને યોગ્ય ગણાવ્યો હતો. ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ આપવા અંગેના મોદી સરકારના નિર્ણયને ગુજરાત સહિત દેશભરમાં આવકાર સાંપડી રહ્યો છે. વાસી ઉતરાયણના દિવસે બાપુનગર-નિકોલમાં પાટીદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચિત્ર સાથેના પતંગો ઉડાડી સવર્ણ અનામતના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમળના ચિત્ર સાથે ફુગ્ગા ઉડાડી અનોખી રીતે ઉતરાયણ મનાવી હતી. સવર્ણ અનામતનો ઉતરાયણના દિવસથી જ અમલ કરાયો છે, મુખ્યમઁત્રી વિજય રૂપાણીએ સવર્ણ અનામત નો અમલ કરતાં દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.
તેની ઉજવણીના ભાગરૂપે પાટીદારોએ ખુલ્લા આકાશમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીનો આભાર માનતા પતંગ ચગાવ્યા હતા. આ પ્રસંગે બાપુનગર ડાયમઁંડ એસોસીએશનના પ્રમુખ નરસિંહભાઈ પટેલે સવર્ણ અનામતના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ આ બાબતે વિચાર્યું સુધ્ધાં ન હતું, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખરા અર્થમાં સવર્ણોની ચિંતા વ્યક્ત કરી છે. માત્ર બે દિવસમાં લોકસભા-રાજ્યસભામાં બિલ પસાર કરી સવર્ણોને અનામતનો લાભ આપ્યો જે ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય છે. વિજય રૂપાણી-નાયબ મુખ્યમઁત્રી નીતિન પટેલનો પણ પાટીદાર સમાજ આભાર વ્યક્ત કરે છે કે, તેમણે સવર્ણ અનામતનો દેશભરમાં સૌપ્રથમ અમલ ગુજરાતમાં કરી અને તેનો ઊતરાયણના દિવસથી જ સવર્ણોને લાભ આપી ઉતરાયણની ભેટ આપી છે. બાપુનગરમાં પાટીદારોએ વાસી ઉતરાયણના દિવસે અબકી બાર મોદી સરકાર સૂત્રો પોકારી વાતાવરણ ગજવી મૂકયું હતું. પાટીદાર યુવક-યુવતીઓમાં વાસીઊતરાયણની ઉજવણી દરમ્યાન ભારે ઉત્સાહ અને ઉમંગ જાવા મળ્યો હતો.