મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૩૧૩૮૧.૩૯ કરોડ રૂપિયાનો વધારો થયો છે જ્યારે આઈટીસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન માર્કેટ મૂડીમાં જે કંપનીઓની સ્થિતિ સારી રહી હતી તેમાં એચયુએલ, આઈટીસી, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. જ્યારે ટીસીએસ, આરઆઈએલ, એચડીએફસી બેંક, એચડીએફસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે.
આઈટીસીની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં સૌથી વધુ ૧૬૮૫૬.૦૫ કરોડ વધીને ૩૫૩૧૪૧.૪૫ કરોડ થઇ ગઇ છે. જ્યારે કોટક બેંક અને ઓએનજીસીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૫૭૪૯.૬૨ કરોડ અને ૪૯૪૧.૨૫ કરોડનો વધારો થયો છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં આ ગાળામાં ૧૫૫૦.૭૭ કરોડનો વધારો થયો છે. બીજી બાજુ આરઆઈએલની માર્કેટ મૂડીમાં મોટો ઘટાડો થયો છે. તેની માર્કેટ મૂડી ૧૫૬૮૭.૭૨ કરોડ ઘટી ગઈ છે જેથી તેની માર્કેટ મૂડી ૬૯૮૨૭૮.૦૩ કરોડ નોંધાઈ છે.
એચડીએફસી અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૮૯૨૮.૫૫ કરોડ અને ૩૫૮૬.૬૮ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૫૦૬.૫૭ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની મૂડી ૭૧૯૩૫૦.૯૧ કરોડ નોંધાઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર અકબંધ છે જ્યારે આરઆઈએલ બીજા ક્રમાંક ઉપર અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાન પર છે. શુક્રવારના દિવસે શેરબજારમાં તીવ્ર કડાકો બોલી ગયો હતો. બીએસઈ ઇન્ડેક્સ સેંસેક્સમાં ૪૧૮ પોઇન્ટનો ઘટાડો નોંધાતા તેની સપાટી ૩૪૩૧૫ નોધાઈ હતી.