અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા માટે તત્કાલિન યુપીએ સરકાર દ્વારા શરૂઆતથી જ ના પાડી દેવાઇ હતી. એટલે પાયો જ ખોટો નંખાયો હતો એટલે અત્યારે વિલંબ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે અને કરવામાં આવી રહી પણ છે. વિધાનસભા ખાતે પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખસેડવાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, આ માટે જે તે સમયે રાજ્યના સાંસદ સીઆર પાટીલ તથા રાજ્યસભાના સાંસદ દિલીપ પંડ્યા દ્વારા માંગણી કરીને લોકસભામાં પણ પ્રશ્ન રજૂઆત કરી હતી. છતાં તત્કાલિન રેલ મંત્રીએ આ માટે ના પાડી હતી કે દાયકાથી આ વ્યવસ્થા ગોઠવાઇ છે એટલે શક્ય નથી. પરંતુ રાજ્યની વિકાસ યાત્રાને ધ્યાને લઇ અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગણી કરી રહ્યા છીએ.
રાજ્યમાં બુલેટ ટ્રેન પણ આવી રહી છે એટલા માટે આ અંગે સત્વરે નિર્ણય આવે એ માટે અમારી સરકાર રજુઆત કરશે. પટેલે કેન્દ્ર સમક્ષના પડતર પ્રશ્નો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા ગુજરાતને હળહળતો અન્યાય કરવામાં આવતો હતો. પરંતુ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ સત્તાના સુત્રો સંભાળ્યા બાદ ગુજરાતના મોટાભાગના પ્રશ્નોનો નિકાલ કર્યો છે. જેમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના પ્રશ્નો હોય કે પછી દરિયાઇ સુરક્ષા, વન વિભાગ અને ક્રુડ ઓઇલ રોયલ્ટી અંગેના પ્રશ્નો હોય, મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.
ઓએનજીસી પાસે ગુજરાતને ક્રુડ ઓઇલની રોયલ્ટી પેટે જે વળતર લેવાનું હતું એ માટે યુપીએ સરકારે કંઇ કર્યું નહીં અને આપણે કોર્ટમાં ગયા હતા અને જીતી જતા ૧૦ હજાર કરોડની રોયલ્ટી ગુજરાતને અપાવવામાં પણ નરેન્દ્ર મોદીની જ મહત્વની ભૂમિકા રહી છે. એટલે ગુજરાતના હિતમાં અમારી સરકાર જે પ્રયાસ કરી રહી છે એમાં હવે કેન્દ્ર સરકાર દ્વારા પૂરતો સહયોગ મળી રહ્યો છે.