અમદાવાદ : ગુજરાતમાં રિટેલ બજારને ૨૪ કલાક ખુલ્લી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે કારોબારીઓને મોટી રાહત અને પ્રોત્સાહન મળશે. ખાણી-પીણીથી માંડીને અન્ય કારોબારીઓને સીધો ફાયદો થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેબિનેટની બેઠક બાદ લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. નોકરિયાત વર્ગને પણ આના લીધે ફાયદો થશે. કારણ કે, રાત્રિ ગાળામાં નોકરી કરતા લોકોને સીધી રાહત થશે. છેલ્લા ઘણા સમયથી ૨૪ કલાક રિટેલ બજારને ખુલ્લુ રાખવાને લઇને ચર્ચા ચાલી રહી હતી. કારોબારીઓ તરફથી આ અંગે પ્રતિક્રિયાઓ જાણી શકાય નથી. વર્તમાનમાં રાતના ૧૨ વાગ્યા સુધી વેપાર-ધંધા કરી શકાતા હતા. પરંતુ નવા સુધારાને પગલે ચોવીસે કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે.
સાથે જ સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દુકાનો ૨૪ કલાક ચાલુ રહેતા રોજગારી વધશે. કેબિનેટની બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાયદામાં સુધારો કરીને મંજૂર કરવામાં આવ્યો હતો. શિયાળુ સત્રમાં ૧૮મીએ શોપ એસ્ટેબલિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતું બિલ રજૂ કરાશે. રાજ્યમાં અંદાજે ૭ લાખ જેટલા દુકાનદારો નોંધાયેલા છે. તેમને ફરજિયાત દર વર્ષે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું. પરંતુ આ બિલને લાવવાનો નિર્ણય લેવાતા વેપારીઓને રિન્યૂ કરાવવામાંથી મુક્તિ મળશે.
નવા વેપારીએ હવે ખાલી એક જ વાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વેપારીઓ દ્વારા ચોવીસે કલાક દુકાનો ચાલુ રાખવાથી ઓવર ટાઈમ કરનારને પણ ફાયદો થશે. જેમાં કર્મીને દોઢ ગણો પગાર મળશે. સાથે જ જે વેપારીને ત્યાં ૩૦નો સ્ટાફ હશે તેવી દુકાનો, શોપ કે મોલમાં મહિલાઓને ધ્યાને રાખી ઘોડિયાઘર ઊભું કરવું પડશે. ૧૦૦થી વધારે કર્મચારીઓ હોય તેવી જગ્યાએ કેન્ટિનની સુવિધા ઊભી કરવી પડશે.