અમદાવાદ : દેશમાં નોકરી, રોજગાર અને આર્થિક વિકાસમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગનો સિહંફાળો રહ્યો છે. કોન્ટ્રાક્ટર્સના સાથ વિના રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી. કોન્ટ્રાક્ટર્સ એ દેશના આર્થિક વિકાસમાં કરોડરજ્જુ છે. જે પ્રમાણે ભારત દેશ વિકાસમાં પ્રગતિની સીડીને સર કરી રહ્યો છે, તે જોતાં કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ માટે પણ બહુ વિપુલ રોજગારીની તકો રહેલી છે. આગામી ૨૦૨૨ સુધીમાં કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ દેશમાં ૭.૫ કરોડથી વધુ લોકોને નોકરી અને રોજગારી પૂરી પાડશે, એમ ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના ચેરમેન કિરણ કે. કપીલાએ જણાવ્યું હતું.
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશન દ્વારા શહેરના યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે વાઈબ્રન્ટ સમીટ, મશીનરી એકઝીબીશન્સ અને એવોર્ડસ-૨૦૧૯ સમારંભનો ગઇકાલે ભવ્ય પ્રારંભ થયો હતો અને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રના રાજયકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિ વચ્ચે સમાપન થયું હતું. જેમાં કોન્ટ્રાક્ટર્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના અનેક મહાનુભાવો-નિષ્ણાતો, સ્પીકર તેમજ ૨૫૦૦થી વધારે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના મેમ્બરો હાજર રહ્યા હતાં.
ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ગઇકાલે આરંભાયેલી આ સમીટને અને મશીનરી એક્સપોને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન શ્રી એસ.એસ.રાઠોરે ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે મુખ્ય સ્પીકર ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના ચેરમેન કિરણ કે. કપીલાએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગ રાષ્ટ્ર નિર્માણ માટે રોડ, બિલ્ડિંગ, રેલ્વે, એરપોર્ટ, વોટર બોર્ડ, પાવર પ્લાન્ટ, હાઉસિંગ, શાળા-કોલેજો, હોસ્પિટલો, હાઉસિંગ, આર્મી કેન્ટોનમેન્ટ, નેવી ડોક સહિત કોઇપણ ક્ષેત્રે બહુપયોગી ફાળો આપે છે. દેશના આર્થિક વિકાસમાં જીડીપી રેટ વધારવામાં પણ કોન્ટ્રાક્ટર્સ ઉદ્યોગનો નોંધનીય ફાળો છે.