યુએસ કોંગ્રેસ સમક્ષ હાજરી આપતા પહેલા જ ડેટા ચોરી કેસમાં ફેસબૂકના વડા માર્ક ઝુકરબર્ગે ફેસબૂક યુઝર્સની માફી માંગતા કહ્યું હતું કે, ૮.૭ કરોડ યુઝર્સના ડેટાનું રક્ષણની જવાબદારી પોતે નિભાવી શક્યા નથી. આ માટે પોતે દિલગીર છે. અમારી ભૂલના કારણે યુઝર્સના ડેટાનો દુરુપયોગ થયો છે. માર્ક ઝુકરબર્ગ કોંગ્રેસ સમક્ષ ડેટા ચોરીના કેસમાં પહેલીવાર હાજર થવાના છે. એ પહેલાં જ ફેસબૂકે આ માફીનામું પ્રસિદ્ધ કરી દીધું હતું.
ડેટા ચોરી મામલે ઝુકરબર્ગે લેખિતમાં માફી માંગતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વ્યાપક પરિપ્રેક્ષ્યમાં અમે અમારી જવાબદારી યોગ્ય રીતે ના નિભાવી અને એ બહુ જ મોટી ભૂલ હતી. આ માટે હું માફી માંગુ છું. ફેસબૂક મેં જ શરુ કર્યું હતું અને મેં જ તેને અહીં સુધી પહોંચાડયું. એટલે જે કંઇ થયું એ માટે જવાબદાર પણ હું છું.
જોકે, ફેસબૂકનો ખોટો અને અયોગ્ય ઉપયોગ થતો પણ અમે રોકી ના શક્યા. ફેક ન્યૂઝ, ચૂંટણીઓમાં વિદેશી દખલગીરી અને હેટ સ્પિચ જેવા અનેક મુદ્દા તેમાં સામેલ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, અમેરિકન કોંગ્રેસ તેમને ૨૦૧૬ની અમેરિકન પ્રમુખપદની ચૂંટણી મુદ્દે આકરા સવાલ કરી શકે છે. એટલું જ નહીં, તેમના પર નક્કી કરાયેલા આરોપ પણ થઇ શકે છે.