ફોર્બ્સ મેગેઝિને આરબ દેશોમાં સફળતા મેળવનારા કુલ ૧૦૦ ભારતીય બિઝનેસમેન કે કંપની એક્ઝિક્યુટિવની યાદી જાહેર કરી છે. આ તમામ સફળ બિઝનેસમેનની કુલ સંપત્તિ ૨૬.૪ અબજ ડૉલર જેટલી થવા જાય છે. ‘ટોપ ૧૦૦ ઈન્ડિયન લીડર્સ ઈન ધ આરબ વર્લ્ડ’ નામે જાહેર કરેલી આ યાદીમાં આરબ જગતની ટોપ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના કોર્પોરેટ એક્સપર્ટનો સમાવેશ થાય છે.
આ યાદીમાં પહેલા નંબરે રિટેઇલ બિઝનેસના માંધાતા યુસુફ અલીનો સમાવેશ થાય છે. તેમણે જાતમહેનતે ‘લુલુ ગ્રુપ ઇન્ટરનેશનલ’ નામની કંપનીની સ્થાપના કરી છે, જેના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેઓ જાતમહેનતે પાંચ અબજ ડૉલરની સંપત્તિના માલિક બનીને યુએઈના પણ ત્રીજા નંબરના સૌથી મોટા બિલિયોનેર બન્યા છે. આ યાદીમાં બીજા ક્રમે ૩.૬ અબજ ડૉલરની નેટવર્થ સાથે બી. આર. શેટ્ટી છે, જ્યારે ૩.૫ અબજ ડૉલરની સંપત્તિ સાથે રવિ પિલ્લાઇ ત્રીજા ક્રમે છે.
આ ત્રણેય બિઝનેસમેનની કુલ સંપત્તિ ૧૨ અબજ ડૉલરથી વધુ છે. ઉલ્લેખનીય છે કે યુએઇમાં ભારતીયોએ રિટેઇલ, હેલ્થકેર, કન્સ્ટ્રક્શન, હોસ્પિટાલિટી અને મેન્યુફેક્ચરિંગ સહિતના અનેક ક્ષેત્રોમાં સફળતાની સિદ્ધિઓ સર કરી છે.