મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જીવન ક્ષણોનું બનેલું છે. જીવનમાં આપણી મરજી મુજબના કોઈ ટર્મ કે કન્ડિશન હોતા નથી એ તો જેમ મળે એમ સહજ રીતે જ જીવવું જોઈએ. આપણે હમેશા વર્તમાનમાં જીવવું જોઈએ. આપણે વાત કરતા હતા કે સહજ કઈ રીતે રહી શકાય….
આ પ્રશ્નનો જવાબ આપતા હું એટલુ કહીશ કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે અને અત્યારે પણ પરીક્ષાઓમાં એવો પ્રશ્ન આવે છે કે કાળ બદલો..!? આપણે જો જીવનને એકદમ સહજ બનાવવું હોય તો આર્થિક, સામાજિક અને માનસિક રીતે અમુક વસ્તુના કાળ બદલવા પડશે.
જેમકે,
કામનો કાળ ભૂતકાળ કરી નાખવો જોઈએ. ભૂતકાળમાં વધુ પડતા કામી લોકોની કેવી દુર્દશા થઈ હતી એ યાદ કરીને આપણે આપણી અંદર રહેલા કામ પાર જીત મેળવવી જોઈએ.
લોભનો કાળ વર્તમાન કાળ કરી નાંખવો જોઈએ. આપણે ઘણી વખત ભવિષ્યને આપણી નજરમાં રાખીને લોભ કરતા હોઈએ છીએ કે આગામી સમયમાં મારે આ કામ કરવું છે. હવે પાંચ દિવસ પછી હું આ કામ કરીશ અને એવું બધું. એના કરતા આ લોભનો કાળ આપણે વર્તમાન કાળ કરવો જોઈએ કે મારે આજે જ આ કામ પુરું કરવું છે. મારે અત્યારે જ આ કામ ચાલુ કરી દેવું છે જેથી આગામી દિવસોમાં એ કામ જલ્દી પૂરું થઈ જાય. આમ આપણે લોભનો કાળ વર્તમાન કાળ કરી દેવો જોઈએ.
અને ક્રોધનો કામ આપણે ભવિષ્યકાળ કરી નાખવો જોઈએ. આમ જોઈએ તો ક્રોધ કરવો જ ન જોઈએ. ક્રોધ આપણા માટે હાનિકારક છે પણ આપણે ક્રોધનો કાળ ભવિષ્યકાળ કરી નાખવો જોઈએ. મોટે ભાગે આપણે ક્રોધ છે એ ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ માટે કરતા હોઈએ છીએ જેમકે આ ગ્લાસ કોણે તોડ્યો..!? ગ્લાસ તો તૂટીને ટુકડા ટુકડા થઈ ગયો હોય છે પણ તોય આપણે ક્રોધ કરતા હોઈએ છીએ. આ ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ પ્રત્યે ક્રોધ કરવાને બદલે આપણે ભવિષ્ય માટે ક્રોધ કરવો જોઈએ. એમ વિચારીશું કે જો હું મારા પુત્રો ઉપર કે મારા પરિવાર પર જો આટલો અંકુશ નહીં રાખું તો ભવિષ્યમાં એ ગમે તેમ વર્તશે અને એ બધા માટે હાનિકારક છે માટે ભવિષ્ય માટે ક્રોધ કરવો જરૂરી છે.
વર્તમાનમાં જીવવા માટે રામચરીતમાનસની એક ચોપાઈ પણ કામ લાગે એમ છે, એ ચોપાઈ છે.
सुनहु भरत भावी प्रबल बिलखि कहेउ मुनिनाथ।
हानि लाभु जीवनु मरनु जसु अपजसु बिधि हाथ॥
મહારાજા દશરથના મૃત્યુનો શોક કરતા ભરતજીને વશિષ્ઠ મુનિ સાંત્વના આપતા કહે છે કે હે ભરત આ છ વસ્તુ એ વિધાતાના હાથમાં છે. હાનિ-લાભ,જીવન-મરણ અને યશ-અપયશ.
આને વિસ્તૃતપણે સમજીએ તો આપણે એમ કહીએ કે લાભ ઈશ્વરના હાથમાં છે, પણ શુભ મારા હાથમાં છે. ઘણીવાર બધા લાભ શુભ નથી હોતાં. કોઈ વ્યક્તિ આપણી માટે 5 રૂપિયાનો ખર્ચો કરે તો કદાચ એમા પણ એનો સ્વાર્થ છુપાયેલો હોઈ શકે માટે લાભ તારા હાથમાં છે પણ સૌનું શુભ વિચારવું અને શુભ કરવું એ મારા હાથમાં છે. સાહેબ, આપણને વિચાર ના આવે કે મારા ગામનો કે દેશનો કોઈ વ્યક્તિ ભૂખ્યો સુઈ જાય. સૌંનું શુભ વિચારવું એ આપણા હાથમાં છે.
બીજું મરણએ ઈશ્વરના હાથમાં છે. ક્યારે કઈ ક્ષણે મૃત્યુ આવીને આપણી સામે ઉભું રહી જાય એ કહી ના શકાય. પણ એ મૃત્યુની બીક રાખ્યા વગર જીવનને જીવી લેવું એ આપણા હાથમાં છે. પેલી પંક્તિઓ છે ને કે,
અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.
સર કરીશું સૌ મોરચા આખરે,
મોતને પણ આવવા દો લાગમાં.
જીવનના ઝાંઝવતોથી ગભરાયા વિના એની આંખમાં આંખ નાખીને જીવી જવું એ આપણા હાથમાં છે.
ત્રીજું યશ ઈશ્વરના હાથમાં છે. પણ એ યશને બધામાં વહેંચી દેવો એ આપણા હાથમાં છે. અને રહી વાત અપયશની તો જ્યારે જ્યારે આપણે સારું કામ કરશું ત્યારે એની નિંદા કરવા વાળા તો તૈયાર જ હશે. એમની નીંદાને કાને ધર્યા વગર અવિરતપણે સારું કામ કરતા રહેવું એ આપણા હાથમાં છે.
આમ આ બધાનો સરવાળો કરીને આપણે વર્તમાનમાં જીવી શકીએ.
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત