जब हम ऐसे लक्ष्य से प्रेरित होते हैं जिनका गहरा अर्थ हो,ऐसे सपनो से प्रेरित होते हैं जिनके पूर्ण होने की चाहत हो,और ऐसे प्रेम से प्रेरित होते हैं जिसको व्यक्त करने की ज़रुरत हो तो हम वाकई में ज़िन्दगी जीते हैं.
મિત્રો,આ ઉપરનો કવોટમાં બહુ સરસ વાત રજૂ કરવામાં આવી કે એક સફળ જીવનનો અર્થ શું છે.!?
જે કોઈ વ્યક્તિના જીવનમાં આ ત્રણ વસ્તુ હોય એનું જીવન સફળ છે.પહેલું જ્યારે આપણા જીવનમાં કોઈ લક્ષ્ય હોય,બીજું આપણું કોઈ એવું સપનુ હોય અને ત્રીજું કે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ.
આમ તો આપણને એમ થાય કે એમાં ક્યાં કાંઈ મોટી નવાઈની વાત છે ! દરેકના જીવનમાં આ ત્રણ ચીજ તો હોવાની જ ને..! પણ નવાઈની વાત એ છે કે તમે એક વખત ફરીથી આ ક્વોટને વાંચો અને વિચારો.
આપણા જીવનમાં લક્ષ્ય હોય એ જરૂરી છે.પણ કેવું લક્ષ્ય હોવું જોઈએ..!? તો કે જે લક્ષ્યનો કાંઈક ઊંડો અર્થ હોય. ઘણીવાર એવું બને કે આપણું લક્ષ્ય તો નક્કી હોય પણ એનો કોઈ અર્થ નથી હોતો, એ લક્ષ્યનું કોઈ મહત્વ નથી હોતું.ઉદાહરણ તરીકે ધારી લઈએ કે આપણું લક્ષ્ય માત્ર પૈસાદાર થવાનું છે.! તો માત્ર પૈસાદાર થઈને આપણે શું કરીશું..!? ધારો કે આપણે રાત-દિવસ એક કરીને પૈસા ભેગા કરી પણ લીધા પણ પછી શું..!? એ પૈસાનું શુ કરવાનું..!? તો કે આપણા મોજશોખ માટે વાપરવાના..! પણ આ પૈસા ભેગા કરવાના સમય માંથી તમે સમય કાઢી શકો ત્યારે તમે એ પૈસા વાપરવાના ને..! અને ત્યાં સુધીમાં તો કદાચ આપણે એ પૈસા વાપરી શકીએ એવી આપણી સ્થિતિ પણ ના રહી હોય.! એટલે માત્ર પૈસાદાર બનવાનું લક્ષ્ય હોવું એ અર્થહીન લક્ષ્ય છે, એનું કોઈ મહત્વ નથી.પણ હા, આપણે એવું નક્કી કરીએ કે મારે પૈસા કમાવવા છે અને એ પૈસા કમાઈને આ સમાજને કંઈક એવું આપવું છે જે સમાજ માટે ઉપયોગી હોય, જે આપણી આસપાસના લોકો ઉપયોગી હોય તો એ લક્ષ્ય એ અર્થપુર્ણ લક્ષ્ય છે. અને એ લક્ષ્યને પુરી કરવામાં કદાચ આપણે આપણી જાત ઘસી નાખીશું ને તો પણ આપણને એનું દુઃખ નહીં હોય પણ એક આત્મસંતોષ હશે કે આપણે બીજા માટે કંઈક કર્યુ છે. અર્થહીન લક્ષ્યને પામ્યા બાદ કદાચ આપણે વ્યથા અનુભવીશું, પણ એક અર્થપુર્ણ લક્ષ્યને પામ્યા બાદ આપણે શાંતિ અનુભવીશું. એટલા માટે જીવનમાં અર્થપુર્ણ લક્ષ્યનું હોવું ખુબ જરૂરી છે.
જીવનમાં બીજી જરૂર વસ્તુ છે : સપનું.એ સપનું નહીં કે જે આપણે ઊંઘમાં જોઈએ છીએ.આપણે તો અહીં એ સપનાની વાત કરીએ છીએ જેને આપણે ખુલ્લી આંખે જોતા હોઈએ.હવે ઘણા લોકોને એમ થાય કે લક્ષ્ય અને સપના માં શું ફેર..! તો કે લક્ષ્ય એ લાંબા ગાળાનું હોય અને સ્વપ્ન એ ટૂંકા ગાળાનું હોય.શિક્ષણ થકી સમાજમાં સુધારો લાવવો એ એક લક્ષ્ય છે. જે ક્યારેય અટકતું નથી. અને નોકરીએ લાગ્યા બાદ નવી કાર લેવી એ સપનું છે.એટલે આપણે એ સપનાની વાત કરીએ છીએ કે જેને આપણે જીવનમાં હાંસિલ કરવા માંગતા હોય.ઉપરના ક્વોટમાં સપનું જોવાની જ વાત છે પણ કેવું સપનું..!? તો કે જે સપનું આપણે પૂરું કરી શકીએ. ઘણીવાર આપણે એવા સપના જોતા હોઈએ છીએ જેને પુરી કરવાની આપણી ક્ષમતા હોતી નથી અને પછી એ સપના પુરા ન થવાને કારણે આપણે હતાશા અનુભવીએ છીએ,દુઃખી થઈએ છીએ. એટલા માટે એવા સપના જીવનમાં જોવા જરૂરી છે કે જેને પુરા કરવાની આપણાંમાં ક્ષમતા હોય.
કવોટમાં ત્રીજી અને છેલ્લી વાત જે ચીજની છે એ છે :- પ્રેમ.આપણે જીવનમાં એવો પ્રેમ મેળવીએ કે આપીએ કે જેને આપણે વ્યક્ત કરી શકતા હોય.ઘણી વખત આપણે પ્રેમ કરતા હોઈએ પણ એ પુરી રીતે વ્યક્ત નથી કરી શકતા.એટલા માટે જ ઉપરના વાક્યમાં એવું કહેવાયું છે કે એ વ્યક્તિનું જીવન સર્વાંગ-સંપુર્ણ છે જે વ્યક્તિને પ્રેમને વ્યક્ત કરી શકતો હોય.કારણકે પ્રેમ તો જીવનનું પરમ સત્ય છે.માણસ માટે અન્ન,વસ્ત્ર અને આવાસની જેમ પ્રેમ પણ માણસની પ્રાથમિક જરૂરિયાત છે.પ્રેમ વિના માણસ આનંદ પામી શકતો નથી. પ્રેમ ના હોય એ વ્યક્તિના જીવનામ ક્યારેય શાંતિ નહિ હોય.સાથે સાથે જે માણસ કોઈને પણ પ્રેમ નહીં કરતો હોય એ સુખી નહિ હોય.આમ પ્રેમ એ શાંતિ અને સુખ મેળવવા માટે આવશ્યક તત્વ છે.પ્રેમ વિના બધું અધૂરું છે.ખુદ આ જગતનો નાથ પણ રાધાના પ્રેમ વગર અધુરો રહ્યો છે.એટલે જ્યાં પ્રેમ છે ત્યાં પુર્ણતા છે. પ્રેમ વગર તો દુનિયામાં લોકો એકબીજાના દુશ્મન થઈ જાય. માટે જીવનમાં એવા પ્રેમની જરૂર છે જે આપણે વ્યક્ત કરી શકીએ.ઘણીવાર પ્રેમ પણ બંધનકર્તા હોય છે.પરંતુ અહીં મુક્ત પ્રેમની વાત છે.જીવનમાં આવો મુક્ત પ્રેમ હોવો ખુબ જરૂરી છે.
અને જ્યારે પણ જેના જીવનમાં આ ત્રણ વસ્તુઓ આવી જાય પછી એક અર્થપુર્ણ જીવન જીવવાની શરૂઆત થતી હોય છે. તો હવે આવતી યુગપત્રીમાં મારે વાત કરવી છે કે કઈ રીતે આપણે આપણું લક્ષ્ય પામી શકીએ.કઇ રીતે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ.આપણી અંદર એવા ક્યા ગુણ હોવા જોઈએ કે જેથી આપણું લક્ષ્ય સામે ચાલીને આપણને શોધી લે..
અને આ માટે મેં પસંદ કર્યું છે.આમીરખાનની મૂવી रंग दे बसंतीનું એક ગીત કે જે ગીત પ્રસુન જોશી એ લખ્યું છે.એ.આર.રહેમાને કમ્પોઝ કર્યું છે ,જે ગીત એ.આર.રહેમાન અને નરેશ ઐયર દ્વારા ગવાયું છે.જેના શબ્દો છે :- रू-ब- रू रौशनी हेय.
તો માણીએ આવતા શુક્રવારથી આ ગીતને એક નવી નજરે….
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત