મિત્રો ઘણીવાર બેઠા બેઠા એવો વિચાર આવે કે સફળતા એટલે શું.!? આપણે લોકોને આના વિશે પુછીશુ તો દરેક વ્યક્તિ પાસેથી અલગ અલગ જવાબ મળશે.! કોઈ કહેશે કે સારા પગારથી નોકરી મળી જાય એ સફળતા છે,કોઈ એમ કહેશે કે આપણને ગમતી છોકરી સાથે લગ્ન થઈ જાય એ સફળતા છે,કોઈ એમ કહેશે કે મોંઘીદાટ ગાડી,સરસ મજાનો બંગલો,નોકર ચાકર એ બધુ મળી જાય એ સફળતા છે,કોઈ ઍમ કહેશે કે લોકોમાં ખુબ પ્રખ્યાત થવું એ સફળતા છે,કોઈ એમ કહેશે કે તમારી આજુબાજુ લોકોના ટોળા જામે,તમને જોવા,સાંભળવા કે સ્પર્શવા લોકો તરસી ઉઠે એનું નામ સફળતા છે.
આમ વ્યક્તિદીઠ આપણને સફળતાની વ્યાખ્યા અલગ અલગ મળે છે. જો આપણે વિશ્વના સફળ લોકોની યાદી બનાવીશું તો એમા આપણને ઘણાં નામ મળશે. મારે એ વાત નથી કરવી કે એ લોકો કેમ સફળ થયાં.! મારે તો એ વાત કરવી છે કે એ લોકોમાં એવું શું હતુ કે જેથી તેઓ સફળ થયાં !?! દરેક સફળ માણસની અંદર અમુક ગુણો એવા હોય છે જે સર્વસામાન્ય હોય છે. બધા સફળ માણસોમાં એ કોમનગુણ તો રહેલો જ હોય છે કે જે ઍને સફળ બનાવે છે. આપણે એવા સાત ગુણો વિશે જોઈએ. સફળતાનાં આ સાત પગલાં નીચે મુજબ છે.
1. વિચારસરણી :– આપણા સમાજમાં બે પ્રકારની વિચારસરણી વાળા લોકો જોવા મળે છે. ઍક હકારાત્મક વિચારસરણી વાળા લોકો અને બીજા નકારાત્મક વિચારસરણી વાળા લોકો. એમાં સફળ લોકો એ પહેલા પ્રકારના લોકો છે,જે હંમેશા હકારાત્મક વિચારે છે.જીવનમાં આવતી નાની નાની તકલીફોથી એ લોકો હતાશ થતા નથી. અને ગમે એવી વિકટ પરિસ્થિતિમાં પણ એ લોકો એની ઉજળી બાજુ જ જોવાનો પ્રયત્ન કરે છે એ લોકો જલ્દી સફળ થાય છે.
2. હોશિયારી :– એ લોકો જલ્દી સફળ થાય છે જે હોશિયાર હોય છે.પોતાને જે કરવું છે એ કામમાં હોશિયાર માણસ જલ્દી સફળ થાય છે. એ કામને લગતો તલસ્પર્શી અભ્યાસ કરીને હોશિયાર લોકો આયોજન બનાવતા હોય છે જેથી એનાં પર ખુબ સરળતાથી આગળ વધી શકાય છે.
3. કાર્યદક્ષતા :– સફળ થવા માટે માત્ર હોશિયાર હોવું પુરતું નથી. એની સાથે સાથે કાર્યદક્ષતાં હોવી ખુબ જરુરી છે.આપણે મેળવેલ જ્ઞાનનો,આપણે કરેલ અભ્યાસનો પૂરેપૂરો ઉપયોગ પણ આપણને આવડવો જરુરી છે. બાકી એનાં વગર આપણે ગમે એટલાં હોશિયાર હૉઈશુ પણ સફળ નહી થઈ શકીએ.
4.સ્વપ્નસેવી :- જે માણસ કંઇક સપના જોવે છે,કઈક લક્ષ્ય નક્કી કરે છે માણસ જ સફળ થાય છે.જે કંઇક કરવાનું નક્કી કરે છે એ માણસ જ એનાં ઉપર કામ કરી શકે છે.જો પાટી સાવ કોરીકટ હશે તો એમાંથી શું શીખવા મળશે. એમ મનની પાટીમાં પણ સતત કોઈ લક્ષ્યને ઘૂંટતાં રહેવું પડે છે જેથી એનાં પર વિચાર કરીને કામ કરી શકાય.
5.સાવધાની :– આપણે જીવનમાં જે કાંઇ કરીએ છીએ એના પ્રત્યે આપણે સાવધાન હોવાં જોઈએ.કારણકે સાવધાની વગર કરેલા કોઇપણ કાર્યમાં આપણી
ભુલ થવાની શક્યતા વધારે છે. ભુલો માંથી આપણને શીખવા મળે છે પણ એકની ઍક ભુલ માણસને અસફળતા તરફ લઇ જાય છે. માટે આપણે જે પણ કામ કરતા હોઇએ એનાં પ્રત્યે સાવધાન હોવું,સતર્ક રહેવું ખુબ જરુરી છે.જેથી ભુલોનું પ્રમાણ ઘટાડી શકાય.
6.ધીરજ :– આપણે ત્યાં ઍક કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે. ઍટલે કે કોઇપણ કાર્યમાં એમ તરત સફળતા મળતી નથી એનાં માટે રાહ જોવી પડે છે.ધીરજ રાખવી પડે છે.ક્યારેક એવું બને કે પ્રથમ પ્રયત્ને સફળતા નાં પણ મળે,કામ દરમિયાન ક્યારેક ક્યારેક ડિપ્રેશનમાં સરી પડાય છે,ક્યારેક ભુલો થાય છે,કંઇક પરેશાની આવે છે ત્યારે બેબાકળા થઈ જવા કરતા ધીરજ રાખવી પડે છે.આપણે શાંત રહીશું તો યોગ્ય રીતે કામ કરી શકીશું.
7.પ્રતિબદ્ધતા :- સફળ થવા માટે ખુબ અગત્યનો ગુણ છે, પ્રતિબદ્ધતા.આપણે માથે લીધેલું કામ કે જવાબદારી ખુબ સરસ રીતે પુર્ણ કરવી એનું નામ છે પ્રતિબદ્ધતા.નોકરી,કારકિર્દી,સાહસ,લગ્ન,કે આપણુ લક્ષ્ય આપણે દરેક જગ્યાએ આપણી જાતને ઍક વચન આપીએ છીએ. ક્યારેક આ વચન તોડવા માટે આપણાં માર્ગમાં ઘણી બાધાઓ પણ આવે છે પરંતુ આપણે એને ગણકારતા નથી.પ્રતિબદ્ધતા એ હ્રદયના ઊંડાણમાંથી નીકળતી ઍક લાગણી છે જેનાથી આપણે પીછેહઠ કરી શકતા નથી.
તો આ સાત સુત્રોના આધારે આપણે કોઇપણ કામમાં સફળ થઈ શકીએ છીએ. અનેં આવુ જ ઍક ગીત છે કે જે જ્યારે પણ સાંભળીએ ત્યારે આપણું તન અને મન ઉર્જાથી ભરાઈ જાય છે. આપણને નવો જોશ અને જુસ્સો ચડે છે.એવું ગીત ઍટલે અક્ષયકુમારની ફિલ્મ ચાંદની ચોક ટુ ચાઈનાનું ઍક ગીત કે જે કૈલાશ ખેર, નરેશ કમઠ,પરેશ કમઠએ લખ્યું છે અને કૈલાશ ખેર એ ગાયું છે. એ ગીત છે ચક લેન દે…
વધું આવતાં શુક્રવારે…
Collumnist :- યુગ અગ્રાવત
તમે આ લેખ ખબરપત્રીના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો આ તમને લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધો લોકો સુધી પહોચાડો અને તમારા પ્રતિભાવો કોમેંટમા જણાવો.