યુગપત્રી
જ્ઞાનનો સૂર્યોદય બતાવે એનું નામ મિત્ર કહેવાય
મિત્રો,ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે કોઈ પણ પરિસ્થિતિમાં મિત્રોઆપણી સાથે અડગ ઉભા રહીને આપણને હસતા રાખે છે,આપણને મોટીવેટ કરે છે,આપણામાં ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે છે હવે આગળ જોઈએ કે મિત્રમાં એવા ક્યા ગુણ હોય છે કે જેથી એ આપણને આટલો સાથ અને સહકાર આપી શકે છે.
મિત્રો,આપણે ક્યારેક માત્ર આપણા સીમિત જ્ઞાનના વર્તુળમાં ફરતા હોઈએ છીએ,આપણી સ્થિતિ કુવામાંના દેડકા જેવી થઈ ગઈ હોય છે જેણે કુવાને જ આખી દુનિયા સમજી લીધી જોય છે પણ એ વખતે ખરો મિત્ર આપણને અનુભવ કરાવે કે આપણા સીમિત જ્ઞાન સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે.આપણે અજ્ઞાનના કુવાના તળિયે બેઠા હોય ત્યાંથી આપણને ઉભા કરીને જ્ઞાનનો સૂર્યોદય બતાવે એનું નામ મિત્ર કહેવાય એટલા માટે તો કહ્યું ને કે,
हम सहमें से रहते कूएं में,
પણ આવું એ ક્યારે કરી શકે તો કે જ્યારે એ પોતે જ્ઞાનના સાગરમાં ડૂબકી મારીને આવ્યો હોય,કોઈપણ પરિસ્થિતિ કે સમસ્યાને તેણે પોતે અનુભવીને એનું નિરાકરણ કર્યું હોય એ મિત્ર જ આપણને સાચો અને સરળ માર્ગ બતાવી શકે છે.જેણે ઘાટ ઘાટના પાણી પીધા હોય એ જ વ્યક્તિ પાણીદાર હોય અને એની પાસેથી જ આપણને અનુભવસિદ્ધ જ્ઞાન મળે છે. માટે એવું લખાય ને કે,
वो नदिया में गोते लगता,
જે આત્મવિશ્વાસથી ભરપુર હોય,જેણે પોતાના બાવડાના બળે પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ સંજોગોમાં ફેરવ્યા હોય એ વ્યક્તિ જ આપણને મુસીબતમાં સ્થિર રાખી શકે છે,જે બધી કહેવાતી માન્યતાઓ અને ધારણાઓના સામા પ્રવાહે તર્યો હોય,જેણે બધી ટીકાઓ અને નિંદાઓને સહન કરી હોય અને પછી પોતાની આવડતના જોરે સફળ થયો હોય એ વ્યક્તિ જ આપણને આપણી મંજિલ સુધી પહોંચાડી શકે.
આપણને સવાલ થાય કે કુરુક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણ જ કેમ અર્જુનના સારથી થયા..!? તો કે એમણે હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી એટલે..!?
ના,પણ કૃષ્ણને ખબર હતી કે અર્જુન તો રાજકુમાર છે,બગીચાનું ફૂલ છે એને ડિપ્રેશનમાં આવતા વાર નહીં લાગે..! અને ત્યારે એની પાસે કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ કે જે એને સંભાળી શકે.અને એવો વ્યક્તિ સ્વયં શ્રીકૃષ્ણ સિવાય બીજું કોણ હોઈ શકે…! કારણકે કૃષ્ણ એ આજીવન કેટલી કેટલી મુસીબતો વેઠી હતી :- કૃષ્ણનો જન્મ જ જેલમાં થયો હતો,જન્મતાની સાથે જ માતા-પિતાથી અલગ થવું પડ્યું હતું,પોતે એક રાજકુમાર હોવા છતાં પણ નંદ અને યશોદાને ત્યાં ઉછેર થયો,ગાયો ચરાવવા વનમાં ભટકવું પડતું,અને આમ છતાંય 11 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી મામા કંસ દ્વારા મોકલાયેલા અસુરોથી ગોકુલના ગ્રામજનોને બચાવવાના,ઇન્દ્રનો વિરોધ કર્યો તો અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો અને આખો ગોવર્ધન ટચલી આંગળીએ ઉચકવો પડ્યો,ધર્મના રક્ષણ માટે સગા મામાનો વધ કરવો પડ્યો ..!
આમ આટલી બધી મુસીબતોમાં ઘેરાયેલા રહેવા છતાંય કૃષ્ણ ક્યારેય હસવાનું ભૂલ્યા નહોતા,આનંદને અવગણ્યો નહોતો એટલા માટે કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન જ્યારે ડિપ્રેસ થઈ જાય ત્યારે એને ગીતાનું જ્ઞાન કૃષ્ણ જ આપી શકે માટે કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા.
આમ આપણા જીવનમાં પણ એવા મિત્રો આપણને આગળ વધવા માટે,આપણી ઉર્જાનું ઉર્ધ્વગમન કરવા માટે આપણને પ્રેરણા આપી શકે જે કે જે પ્રતિકુળતાની વચ્ચે સહજતાથી રહ્યો હોય,માટે એવું લખાય કે,
उलटी धरा चीर के तैरता था वो
અને એનો સ્વભાવ કેવો હોય તો કે વાદળ જેવો..! જેવી રીતે વાદળ વસુંધરા પર પોતાનું હેત વરસાવીને પછી પાછું ક્યાંક ચાલ્યું જાય છે એમ મિત્ર પણ આપણી ઉપર અઢળક વ્હાલ વરસાવે,પ્રેમ વરસાવે અને આપણને એના ઋણમાં બાંધીના રાખે,જકડીના રાખે પણ આપણને મુક્ત રાખે.માટે એવું કહ્યું કે
बादल आवारा था वो…
આપણી ઉપર વ્હાલ વરસાવીને ફરી પાછો ચાલ્યો પણ જાય પણ આપણને એ ભુલે નહીં અને ભુલવા દે પણ નહિ.
બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.
હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
– વિવેક મનહર ટેલર
જેની સાથે બાળપણ વિતાવ્યું હોય,જેની સાથે રાતોની રાતો જાગવું એ જાગરણ સમાન હોય,જેની હાજરી માત્રથી આપણી તકલીફ ઉડન છું થઈ જતી હોય,મુસીબતમાં આપણું માથું ટેકવવા એણે ધરેલો ખભો એ આપણા માટે ઓક્સિજન સિલિન્ડરથી કમ ના હોય
આવો મિત્ર જ્યાં પણ હોય આપણને યાદ આવ્યાં વગર રહે નહીં. માટે જીવથી પણ વધુ વ્હાલા મિત્રો માટે એવું લખાય કે
यार हमारा था वो…
कहाँ गया उसे ढूँढो…
बहती हवा सा था वो
उड़ती पतंग सा था वो
कहाँ गया… उसे ढूँढो
આ સાથે જ બહેતી હવા સા થા વો એ આર્ટિકલની શ્રેણી અહીં પુરી થાય છે.
ફરી મળીશું આવતા શુક્રવારે કોઈ અલગ જ ગીતના યુગાનુવાદ સાથે…….?
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત