યુગપત્રીઃ સાહજીકતાના કિનારે જ સંબંધનું વૃક્ષ ફળે-ફૂલે છે
મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જેવી રીતે પૂનમના અજવાળા અને શીતલતામાં ગમે એટલો લાંબો રસ્તો પણ સરળતાથી કપાઈ જાય છે એવી જ રીતે આપણા પ્રિય પાત્ર સાથે આપણી જીવન સફર આરામથી માણી શકીએ છીએ. એ વ્યક્તિના શીતળ સાનિધ્યમાં આપણે આનંદમાં રહી શકીએ છીએ.હવે જોઈએ આગળ..
મિત્રો, જો કોઈ માણસ એકલા એમ ને એમ ચાલતો હોય તો એ મુસાફરી ગણાય, મુસાફરીનો થાક લાગે પણ જો એ જ માણસ મનમાં શ્રદ્ધા અને પોતાના ઇષ્ટ પ્રત્યેનો પ્રેમ લઈને ચાલે તો એ જાત્રા ગણાય છે. જાત્રાનો થાક નથી લાગતો એવી જ રીતે આપણા પ્રિય પાત્રનો હાથ આપણા હાથમાં લઈને આપણે જીવનની જાત્રાને માણી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિને પોતાના લાઇફ પાર્ટનરમાં બીજા ક્યાં ગુણ જોઈશે..!? એની યાદી બહુ લાંબી નથી બસ 8 થી 10 લાઈનમાં આ બધું આવી જાય છે.
મિત્રો સહજતાના પાયા પર જે સંબંધ રચાતા હોય ને એ સૌથી વધુ ટકે છે. મારા માટે સંબંધનો અર્થ છે :- સમ+બંધ. બન્ને બાજુ સમ એટલે કે સરખી લાગણીથી બંધાયા હોય એનું નામ સંબંધ. જ્યાં કોઈપણ જાતની જબ્બરદસ્તી ના હોય, જ્યાં કોઈ પણ જાતનું બંધન ના હોય એનું નામ સંબંધ. આ શબ્દમાં બંધ આવે છે પણ જેની સાથે તમે હળવાશ અને મોકળાશ અનુભવી શકો એનું નામ સંબંધ. સાહજીકતાના કિનારે જ સંબંધનું વૃક્ષ ફળે-ફૂલે છે. જ્યારે કોઇ વ્યક્તિ કોઈપણ જાતની રસમ કે કસમ વગર, કોઈપણ જાતની ફરિયાદ વગર કે કોઈપણ જાતના વાયદા વચન વગર કોઈની સાથે જોડાય છે, ત્યારે એમાંથી એક સ્વસ્થ સંબંધનો જન્મ થાય છે. એમની જોડીમાંથી પ્રેમની ખુશ્બુ આવે છે. કારણકે પ્રેમ એ રસમ, કસમ, ફરિયાદ, વાયદા આ બધી વસ્તુઓથી પર છે. પ્રેમ બસ પ્રેમ છે. કોઈપણ વ્યક્તિને તમે કોઈ રસમ કે કસમના બંધનમાં બાંધીને કે કોઈ જાતની ફરિયાદ કે કોઈ વાયદા લઈને પોતાની સાથે સંબંધ બંધાવી શકો પણ એ સંબંધ બહુ લાંબો ટકતો નથી, કારણ કે આ રસમ, કસમ, બધું બંધનકર્તા છે અને જ્યાં બંધન છે ત્યાં પ્રેમ નથી. કોઈપણ જાતની ફરિયાદ વગર આપણે જેને સ્વીકારી શકીએ એને જ પ્રેમ કરી શકીએ. ત્યારે મને દીક્ષિત દનકૌરીનો શેર યાદ આવે કે,
या तो कुबूल कर, मेरी कमजोरियों के साथ,
या छोड दे मुझे, मेरी तनहाईयों के साथ ।
કાં તો તમે જેને પ્રેમ કરો છો એને એમ ને એમ, જેવા છે એવી જ રીતે સ્વીકારીને એને પ્રેમ કરો અથવા તો પછી એને છોડી દો. કારણ કે કોમ્પ્રોમાઇસ કરવા કરતાં છોડી દેવું સારું. કોમ્પ્રોમાઇસ કરવામાં ક્યારેક બન્ને વચ્ચે ઝઘડો થવાના ચાન્સ પણ છે.
કવિ આ ગીતમાં કહે અમે બન્ને તો કોઈ પણ જાતના રસમ કે કસમ આપ્યા વગર, એના પ્રત્યે કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર, એને કોઈપણ જાતના વચન કે સોગંધમાં બાંધ્યા વગર માત્ર પ્રેમના તાંતણે બંધાયેલા છીએ.માટે,
ना कस्मे हैं ना रस्में हैं, ना शिकवे हैं ना वादे हैं
અને એનાથી પણ આગળ કવિ હવે આગળની લાઈનમાં બહુ તાત્વિક વાત કરે છે.
ક્યારેક પ્રેમનો અર્થ માત્ર આકર્ષણ પૂરતો જ બનીને રહી જાય પણ ખરેખરો પ્રેમ કોને કહેવાય…!? તો કે જ્યાં સુંદરતાનો અર્થ બાહ્ય આડંબર કે દેખાડો નથી. જ્યાં પ્રેમનો અર્થ માત્ર ગોરા રૂપાળા ચહેરા પૂરતો મર્યાદિત નથી. ખરી સુંદરતા તો મનની હોય છે. જેની આંખોમાં ભોળપણ છલકતું હોય અને ચહેરા પર એક નિર્દોષ મુસ્કુરાહટ હોય એ વ્યક્તિ આ દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ છે. લાલી-લિપસ્ટિક કે વધારાના કોઈ મેક-અપ વગર બસ આંખોની નિર્દોષતા અને એક ખડખડાટ હાસ્ય આ બન્ને જ સાચું ઘરેણું છે. કોઈપણ વ્યક્તિ આ બે વસ્તુથી જ સુંદર છે.એટલે એવું કહે છે કે,
इक सूरत भोली भाली है, दो नैना सीधे सादे हैं…
એનો ચહેરો કેવો હોય..!? તો કે નિર્દોષતાથી છલોછલ અને એની આંખમાં બસ સાદગી અને સરળતાં સિવાય બીજું કાંઈ ના હોય એવી વ્યક્તિ અને કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રિય પાત્ર વિશે વિચારે ત્યારે આવુ જ વિચારે કે એનું પ્રિય પાત્ર એની સાથે કોઈપણ જાતના રસમ, કસમ, વાયદા, વચન કે ફરિયાદ વગર બસ પ્રેમના તાંતણે બંધાઈને જીવનને માણે. એના પ્રિય પાત્રના નિર્દોષ અને ભાવભરી આંખોમાં ડૂબી જવાનું મન થાય ત્યારે એવું લખાય કે,
ऐसा ही रूप खयालों में था,
जैसा मैंने सोचा था
हाँ तुम बिलकुल वैसी हो,
जैसा मैंने सोचा था
વધુ આવતા શુક્રવારે….
કોલમિસ્ટ:- યુગ અગ્રાવત