* ગુરુ ક્યાંય જતા નથી માત્ર એ સ્થૂળમાંથી સુક્ષ્મમાં રૂપાંતર પામે છે *
મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે ગુરુ અને શિષ્ય એકબીજાની એટલા નજીક હોય છે કે એકબીજાના વિચારોને એ બન્ને અનુભવી શકે છે, ગુરુ જ્ઞાન દ્વારા આ જગતનું મિથ્યાપણુ સમજાવીને અસલ જ્ઞાન શિષ્યને આપે છે હવે જોઈએ આગળ,
तुम इन सब को छोड़ के कैसे कल सुबह जाओगी,
मेरे साथ इन्हें भी तो तुम याद बहोत आओगी,
बड़े अच्छे लगते है,ये धरती,ये नदिया,ये रैना और तुम…
મિત્રો, આ અંતરો એ ગીતનો છેલ્લો અંતરો છે અને આ અંતરાની શરૂઆતમાં જે શબ્દો વપરાયા છે એ વાંચીને એવું લાગે કે આ પેલી લાઈનમાં કોઈ સ્ત્રીનો ઉલ્લેખ છે. હવે આપણને પ્રશ્ન થાય કે એક સ્ત્રીને સંબોધીને કહેવાયેલા શબ્દો ગુરુને કઈ રીતે લાગુ પડે…!? તો એના જવાબમાં હું માત્ર એટલું જ કહીશ કે સૂફીમાં એટલે કે ઇશ્ક-એ- હકીકીમાં ગુરુને પોતાના પરમને એક પ્રેયસીના રૂપમાં પણ આરાધી શકાય છે, માટે ભલે આ શબ્દો કોઈ સ્ત્રીને ઉદ્દેશીને લખાયા હોય પણ આ શબ્દો ગુરુને પણ લાગુ પાડી શકાય અને વળી ગુરુ માટેનું સંબોધન તો ત્રણેય જાતિવાચક નામથી પર છે અને છતાંય જો મનમાં કાંઈ શંકા રહી જતી હોય તો હજી ચોખવટ થઈ જાય કે ગુરુ આપણી બધી જવાબદારી ઉપાડે છે માટે ગુરુ એ પુરુષ છે, કારણકે ઘરમાં મોટાભાગની બધી જવાબદારી પુરુષના માથે હોય છે. ગુરુની આંખોમાં આપણા માટે ભરપૂર કરુણા હોય છે માટે ગુરુ એ સ્ત્રી છે, માતા છે, કારણકે માતાની આંખોમાં હમેંશા કરુણા જ ભરેલી હોય છે અને ગુરુ પોતે એક તત્વ છે, બ્રહ્મ છે અને બ્રહ્મ માટે સ્ત્રી પણ નથી કે પુરુષ પણ નથી. આમ આવા જેનો પાર ના પામી શકાય એવા સદગુરુ જ્યારે આપણને છોડીને જતા હોય છે ત્યારે એમ કહેવાનું મન થાય કે,
तुम इन सब को छोड़ के कैसे कल सुबह जाओगी,
આમ તો ગુરુ ક્યારેય કોઈને છોડીને જતા નથી, જે જાય છે એ સ્થૂળ રૂપ જાય છે, બાકી એમના સુક્ષ્મ સ્વરૂપે તો એ આપણી પાસે જ હોય છે, તેમના વાઇબ્રેશન તો આપણે અનુભવી જ શકીએ. માટે જે છોડીને જાય છે એ સંસારની રીતે છોડવું છે પણ અધ્યાત્મમાં તો ગુરુ જતી વખતે પોતાનું તેજ શિષ્યને આપીને જાય છે. માટે ગુરુ ક્યાંય જતા નથી માત્ર એ સ્થૂળમાંથી સુક્ષ્મમાં રૂપાંતર પામે છે. અને આવા ગુરૂ જાય પછી યાદ તો આવે જ ને પણ આમાં લખ્યું છે કે મેરે સાથ ઇન્હે ભી તો તુમ યાદ બહોત આઓગી. હવે આપણને એમ થાય કે શિષ્ય સિવાય બીજા કોને યાદ આવે…!? તો એનો જવાબ છે સમગ્ર અસ્તિત્વને યાદ આવે, કારણકે સદગુરૂનું જીવન ક્યારેય કોઈ માટે નથી હોતું એ તો પુરા અસ્તિત્વ માટે હોય છે એટલે પછી એમ લખાય મેં મેરે સાથ ઇન્હે ભી તો તુમ. હા, ઇન્હે શબ્દમાં આખું અસ્તિત્વ આવી ગયું. માટે,
मेरे साथ इन्हें भी तो तुम याद बहोत आओगी
અને આવા પોતાના સમર્થ ગુરુ જાય છે છતાં સાધક એવું કહે કે,
बड़े अच्छे लगते है, ये धरती, ये नदिया, ये रैना और तुम…
ગુરુ જાય છતાં સાધક એવું કહે કે આ બધું ગમે છે ત્યારે અહીં ગુરુ એ એને આપેલું જ્ઞાન સિદ્ધ થાય છે, ચરિતાર્થ થાય છે કારણકે જે જાય છે એ તો સ્થૂળ જાય છે એનો શોક ના હોય એના કરતાં જે હાજર છે એનો આનંદ માણવો એનું નામ જ જીવન છે. આમ અહીં ભગવત ગીતા જોડાય કે જે થવાનું હતું એ થઈ ગયું એના માટે શોક કરવો વ્યર્થ છે. શોક છોડીને કર્મ કરવું જરૂરી છે. માટે ગુરુથી વિખટા પડીને પણ શિષ્ય એમ કહે કે,
बड़े अच्छे लगते है,ये धरती,ये नदिया,ये रैना और तुम…
આ સાથે જ ગુરુ ઉપરની યુગપત્રી અહીં પુરી થાય છે.
મળીશું ફરી આવતા શુક્રવારે…..
Columnist: યુગ રમણિકભાઈ અગ્રાવત