અમદાવાદ : લોક રક્ષક દળની પેપર લીક કાંડનો મુખ્ય સુત્રધાર યશપાલસિંહ સોલંકી હજુ ફરાર છે. યશપાલસિંહની પત્ની દિવ્યાબા સોલંકી હાલ તેના પિયર લુણાવાડા તાલુકાના નાની પાલ્લી ગામમાં રહે છે. આ સમગ્ર કૌભાંડ મામલે પોતાના પતિનો લૂલો બચાવ કરતાં યશપાલની પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ આવુ કામ કરી શકે જ નહીં કોઇ મોટા માથાઓએ તેમને ફસાવ્યા છે. યશપાલસિંહ પરિવારસને ૧૫ દિવસ પહેલા વાત થઇ હતી. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પતિ પાસે એટલા રૂપિયા જ નહોતા કે તેઓ દિલ્હી જઇ શકે. વધારાના ખર્ચ માટે પણ યશવંત ઘરેથી પૈસા લઇ જતો હતો. તેમનો ફોન બંધ આવે છે. મારા પતિ ગુમ થવાથી અમારો પરિવાર ચિંતામાં મુકાઇ ગયો છે. મારા પતિ નિર્દોષ છે. તેમણે ઘરે આવી જવુ જોઇએ. મને લાગે છે કે, પોલીસ જ તેમને બચાવી શકે છે.
દરમ્યાન યશપાલના સસરાએ કાદુભાઇ સોલંકીએ જણાવ્યુ હતું કે, મારા જમાઇના જીવને જોખમ હોય તેવુ લાગે છે, તેઓ ખોટુ કામ કરે તેવા નથી, તેવો મને વિશ્વાસ છે. મારા જમાઇને ફસાવવામાં આવ્યો હોય તેવુ લાગે છે. બીજીબાજુ, યશપાલસિંહની પત્ની અને તેના પરિવારનો લૂલો બચાવ લોકરક્ષક દળની પરીક્ષાના લાખો ઉમેદવારો અને તેમના પરિજનો માનવા તૈયાર નથી. તો, સમગ્ર કેસની તપાસ કરી રહેલી પોલીસ પણ આ લૂલો બચાવ માની શકે એમ નથી. કારણ કે, જે પ્રકારના પુરાવા અને ચોંકાવનારી હકીકતો કેસમાં સામે આવી છે તે જાતાં યશપાલસિંહ એક શાતીર અને બહુ જ ચાલાક અપરાધી છે, જેણે બહુ ગણતરીપૂર્વક અને આયોજનબધ્ધ રીતે કૌભાંડને અંજામ આપ્યો હતો. પોલીસ હવે ગમે તે ઘડીયે તેને સંકજામાં લઇ તેની મોડેસ ઓપરેન્ડીનો અને અન્ય કાવતરાખોરોનો પર્દાફાશ કરી શકે છે.