નવી દિલ્હી : ૧૮મી લોકસભાના પ્રથમ સત્રના બીજા સપ્તાહમાં પણ ભાજપ નેતૃત્વવાળી એનડીએ સરકાર અને વિપક્ષની વચ્ચે હોબાળો ચાલુ રહ્યો. આજથી સંસદની કાર્યવાહી ફરી શરૂ થઈ. સરકારની મુશ્કેલી વધારતાં વિપક્ષે સંસદની બહાર NEET પર એક દિવસ ચર્ચાની માગ સાથે દેખાવો કર્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરવાની જગ્યાએ વિપક્ષે NEET , તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દા પર સત્તાપક્ષ ભાજપને ઘેર્યો હતો. વિપક્ષ વતી રાહુલ ગાંધીએ લોકસભામાં માગ કરી હતી કે એક દિવસ માટે NEET મુદ્દે ચર્ચા કરવામાં આવે, પરંતુ સરકાર એ માટે તૈયાર ન થતાં વિપક્ષે આખરે વૉકઆઉટ કર્યો હતો. ત્યારબાદ ફરી કાર્યવાહી બે વાગ્યેે શરૂ થઇ અને રાહુલ ગાંધીએ સત્તાપક્ષ ભાજપ, પીએમ મોદી સામે અનેક મુદ્દે આક્રમક પ્રહાર કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી NEET પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નીટ હવે પ્રોફેશનલ નહીં, કોમશિર્યલ એક્ઝામ થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિશે કહ્યું કે જ્યારે તમે ફરી લોકસભા અધ્યક્ષ તરીકે ચૂંટાયા ત્યારે હું તમને આસન સુધી લઇ ગયો હતો. આ ચેર પર બે લોકો બેઠા છે. એક લોકસભા સ્પીકર અને બીજા ઓમ બિરલા. લોકસભા અધ્યક્ષને સંભળાવતા રાહુલે કહ્યું કે જ્યારે તમે મારી સાથે હાથ મિલાવો છો તો સીધા ઊભા રહો છો પણ જ્યારે મોદી સાથે હાથ મિલાવવાનો વારો આવે છે તો તમે નજી જાઓ છો. રાહુલની આ ટિપ્પણીને અમિત શાહે આસનનું અપમાન ગણાવ્યું હતું. ત્યારબાદ ઓમ બિરલાએ કહ્યું કે વડીલોને માન આપવું જ જોઇએ. ત્યારે રાહુલે કહ્યું કે તમે ગૃહના કસ્ટોડિયન છો. તમારાથી મોટું કોઈ નથી. તમારે કોઈની સામે નમવું ના જોઈએ. હું તમારી સામે નમીશ. સમગ્ર વિપક્ષ તમારી સામે નમશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતો માટે અમે જે જમીન સંપાદન બિલ બનાવ્યું હતું તે યોગ્ય વળતર અપાવવા માટે હતું. તમે તેને રદ કરી દીધું. સત્તા પક્ષ તરફથી ઓથેન્ટિકેટ કરવાની માગ પર રાહુલે કહ્યું કે એ પણ કરી દઈશું. ખેડૂતોને ડરાવવા માટે તમે ત્રણ કાયદા લાવ્યા. વડાપ્રધાને કહ્યું કે આ કાયદા ખેડૂતોના ફાયદા માટે છે. જોકે સત્ય તો એ હતું કે અંબાણી – અદાણીને ફાયદો પહોંચાડવા માટે આ કાયદા લવાયા હતા. ખેડૂતો માર્ગો પર ઉતરી ગયા, તમે ખેડૂતો સાથે વાત પણ ના કરી. તમે એમને ગળે ન લગાવ્યા. ઉલટાનું તમે એ લોકોએ આતંકી ગણાવ્યા. તમે કહો છો કે આ બધા આતંકી છે. રાહુલે વચ્ચે અટકાવતા અમિત શાહે કહ્યું કે આ મામલાને ઓથેન્ટિક કરો. તેના પર રાહુલે આગળ કહ્યું કે અમે ખેડૂતો માટે ગૃહમાં મૌન રાખવાની વાત કરી પણ સત્તા પક્ષની એ પણ ના થયું.
રાહુલ ગાંધીએ કહ્યું કે ઈનકમ ટેક્સ, ઈડી બધા સ્મોલ બિઝનેસ ઓનર્સને હેરાન કરે છે અને તેના કારણે જ મોટા ઉદ્યોગપતિઓ અને અબજપતિઓનો માર્ગ મોકળો થયો છે. હું ગુજરાત ગયો હતો. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના લોકોને મળ્યો. એ લોકોએ મને કહ્યું કે અબજપતિઓને ફાયદો પહોંચાડવા જ જીએસટી લવાયો હતો. આ દરમિયાન જ કોઈએ પૂછ્યું કે ગુજરાત પણ જાઓ છો કે શું? તો રાહુલે જવાબ આપ્યો કે ક્યારેક ક્યારેક જાઉ છું. રાહુલે આ દરમિયાન જ મોટો દાવો કરતાં કહ્યું કે આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવીશું. લખીને લઈ લો આ વખતે ગુજરાતમાં અમે જીતીશું.
રાહુલે અગ્નિવીર યોજના વિશે એક અગ્નિવીરની શહીદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી તેમને શહીદ નથી કહેતા. અગ્નિવીરોના પરિવારના સભ્યોને પેન્શન નહીં મળે. સામાન્ય સૈનિકને પેન્શન મળશે, સરકાર તેની મદદ કરશે પરંતુ અગ્નિવીરને સૈનિક નથી ગણતી. અગ્નિવીર એક યૂઝ એન્ડ થ્રો મજૂર બની ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે યુવાનો અને સૈનિકો વચ્ચે વિભાજન પેદા કરી રહ્યા છો અને પછી પોતાને દેશભક્ત કહો છો. આ કેવા દેશભક્ત છો?
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત માટે પહેલીવાર કોઈ રાજ્યનો દરજ્જો છીનવી લેવાયો. જમ્મુ-કાશ્મીરે દરજ્જો ગુમાવ્યો. અમે મણિપુરનો મુદ્દો ઊઠાવ્યો અને કહ્યું કે વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ માટે આ મણિપુર જાણે ભારતનો હિસ્સો છે જ નહીં. અમે મણિપુર ગયા અને વડાપ્રધાનને અપીલ કરી કે તમે પણ મણિપુર જાઓ અને તેને બચાવો. તો પણ તેમના તરફથી કોઈ જવાબ ન આવ્યો.
રાહુલ ગાંધીએ જ્યારે કહ્યું કે હિન્દુ ડર નથી ફેલાવી શકતો ત્યારે તેમણે શિવજીની તસવીર પણ બતાવી અને સાથે જ કહ્યું કે ભાજપ ડર ફેલાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અયોધ્યાથી શરૂ કરું છું. બસ આટલું કહેતા જ અમિત શાહ ઊભા થઈ ગયા અને કહ્યું કે નિયમ આમના પર લાગુ નથી થતો કે શું? તે આખા ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ મૂકી રહ્યા છે. હાઉસ ઓર્ડરમાં નથી. ગૃહમાં આવું નહીં ચાલે.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે મોદી અયોધ્યાના લોકોને તો છોડો, ભાજપવાળાને પણ ડરાવે છે, રાજનાથ અને ગડકરી પણ તેમની સામે નમસ્તે પણ નથી કરતા.
સંસદમાં બોલતી વખતે લોકસભા અધ્યક્ષને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે માઈક આપો સર. તેમને સવાલ પણ પૂછ્યો કે માઈકનો કન્ટ્રોલ કોની પાસે છે? જવાબમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહમાં એક વ્યવસ્થા હોય છે. જ્યારે આસન વતી કોઈ વ્યક્તિને બોલવા માટે કહેવાય છે ત્યારે જ તેનો માઈક શરુ કરવામાં આવે છે. તમારું માઈક બંધ નથી કરાતું. દરમિયાન રાહુલે કહ્યું કે મારા ભાષણ વચ્ચે માઈક ઓફ થઇ જાય છે. હું શું કરું.