અમદાવાદ : ગીરસોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ખાસ કરીને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જગમલ વાળાએ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરૂદ્ધ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને એક મહત્વનો લેટર લખ્યો છે. લેટરમાં મંત્રીપદનો અસ્વીકાર કરી વેરાવળનો વિકાસ ધારાસભ્ય વિમલ ચુડાસમાના કારણે રોકાયો હોવાનો તેમ જ ભ્રષ્ટાચાર આચર્યાનો પણ આક્ષેપ કરાયો છે. વિમલ ચુડાસમાને જીતાડવા બધો ખર્ચ પોતે કર્યાનો દાવો પણ વાળાએ કર્યો છે. વાળાએ પત્રમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સમક્ષ માંગ કરી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા જગમાલ વાળાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ૯૦ સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય છે તે ઘણીબધી અયોગ્ય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. હું એક જવાબદાર વ્યક્તિ છું અને જાહેર જીવનમાં છું. ગુજરાત રાજ્યના જવાબદાર વ્યક્તિને આ વાત લખુ છું એટલા માટે દરેક બાબતનો ખુલાસો લેખિતમાં ન કરવો જોઇએ પણ આ ધારાસભ્ય ઘણા અસામાજીક સંગઠનો સાથે અને અસામાજીક તત્વો સાથે જોડાયેલો છે. જેની સાબિતી એના રહેણાંક મકાને આપને મળી જશે, આના કારણે સોમનાથ વેરાવળનો વિકાસ પણ અટક્યો છે. આ ધારાસભ્યએ ખૂબ ભ્રષ્ટાચાર કરી ભગવાન સોમનાથના સાંનિધ્યમાં વસેલા વેરાવળ તાલુકામાં ખૂબ ખરાબી આચરી રહ્યો છે અને જવાબદાર લોક સેવક તરીકે હું આની સાથે કામ કરી શકું તેમ નથી.
જો કોંગ્રેસને ગાંધીજીના માર્ગે અને સત્ય અને અહિંસાના માર્ગે ચલાવવું હોય તો આ ધારાસભ્ય ઉપર સંગઠન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી પડશે. હું આપને વિનંતી સાથે જણાવું છું કે, લોકો મારા પર આંખ બંધ કરી વિશ્વાસ કરે છે, હું જમીન સાથે જોડાયેલો લોકસેવક છું. જો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મને ૯૦ સોમનાથ વિધાનસભા અને ગીર સોમનાથ જિલ્લાની જવાબદારી આપે તો હું આ ગામ અને જિલ્લાને ગુજરાત માટે અને દેશ માટે મોડલરૂપ બનાવીને આપને બતાવવાની ક્ષમતા ધરાવું છું. બસ કોંગ્રેસ મજબૂત થાય અને જિલ્લો અને રાજ્યમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે એ જ મારો ઉદ્દેશ છે. જગમલ વાળાના આ પત્રને પગલે સોમનાથનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ખાસ કરીને કોંગ્રેસનો આંતરિક વિખવાદ લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.