સાપ એ પ્રકૃતિનું અજોડ સર્જન છે, જે પર્યાવરણની સુંદરતા અને સંતુલનનો એક અભિન્ન ભાગ છે. કુદરતે રચેલી આહારશૃંખલા મુજબ સાપ નાના પ્રાણીઓ અને જીવ જંતુઓના ભક્ષણ થકી તેમની વસ્તીને નિયંત્રિત કરીને પર્યાવરણની સાંકળમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ, સાપના પારિસ્થિતિકીય મહત્વને ઉજાગર કરવા અને તેમના સંરક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવાના હેતુસર દર વર્ષે તા. ૧૬ જુલાઈના રોજ ‘વિશ્વ સર્પ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યમાં પણ વન વિભાગ તેમજ વિવિધ સ્વૈછિક સંસ્થાઓના સહયોગથી સાપના સંરક્ષણ અને જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાતમાં અંદાજે ૫૦થી વધુ સાપની પ્રજાતિઓ જોવા મળે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા તેમજ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સાપોના સંરક્ષણ-સંવર્ધન માટે અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેમજ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા સર્પગૃહ ખાતે વન વિભાગના કર્મયોગીઓ દ્વારા લાખો મુલાકાતીઓને નાગ, કાળોતરો, ફુરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપોની ઓળખ આપી અને તેમનું મહત્વ સમજાવવામાં આવે છે.
સર્પદંશની સારવાર માટે રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં એન્ટી-વેનમનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે છે. સાપના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે, જે હૃદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગોની સારવારમાં ખૂબ ઉપયોગી નીવડે છે. જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ‘સ્નેક રિસર્ચ સેન્ટર’ કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં સાપના ઝેર દ્વારા એન્ટી-વેનમ અને અન્ય દવાઓ બનાવવા માટે અનેક સંશોધન કરવામાં આવી રહ્યા છે.
સાપનું રક્ષણ કરવું એટલે પર્યાવરણનું રક્ષણ કરવું, જેને સાર્થક કરવા વન વિભાગ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સાપ બચાવ ટીમો ગોઠવવામાં આવી છે. આ ટીમો દ્વારા સાપોને સુરક્ષિત રીતે પકડીને તેમના કુદરતી આવાસમાં મુક્ત-છોડી મૂકવામાં આવે છે. જે અન્વયે વન વિભાગ સંચાલિત વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર થકી અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસથી છેલ્લા એક વર્ષ દરમિયાન તા. ૦૧ જુલાઈ, ૨૦૨૪ થી તા. ૩૦, જૂન, ૨૦૨૫ સુધીમાં અંદાજે ૪૯૨ જેટલા સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં અનેક સેવાભાવી સંસ્થાઓ પણ નિ:સ્વાર્થ પણે જીવદયા માટે આ ઉત્તમ કાર્યમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે. રાજ્યભરમાં સાપનું સંરક્ષણ અને સંવર્ધનના હેતુસર સાપ પકડવા માટે વન વિભાગ દ્વારા પદ્ધતિસરની તાલીમ આપી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરીસૃપ વર્ગમાં આવતા સાપની વિશ્વભરમાં લગભગ ૩ હજારથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. સાપ મુખ્યત્વે ઝેરી અને બિનઝેરી એમ બે પ્રકારના હોય છે. સાપની ઝેરી પ્રજાતિઓમાં નાગ-ઇન્ડિયન કોબ્રા, કાળોતરો-કોમન ક્રેટ, ફુરસો-રસેલ્સ વાઈપર અને ખળચિતડો-સો-સ્કેલ્ડ વાઈપરનો સમાવેશ થાય છે. જે મુખ્યત્વે પોતાના શિકાર અને માત્ર આત્મરક્ષા માટે જ ઝેર એટલે કે ડંખ મારે છે. જ્યારે બિનઝેરી સાપની કેટેગરીમાં અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા સાપોનો સમાવેશ થાય છે.
સર્પદંશ ટાળવા માટેની માર્ગદર્શિકા:
શું કરવું: સાપનો સામનો થાય તો શાંતિ જાળવવી અને ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું, વન વિભાગની હેલ્પલાઇન નંબર ૧૯૨૬ પર સંપર્ક કરવો, દંશગ્રસ્ત અંગને સ્થિર રાખવું અને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોચીને ઉપચાર કરાવવો.
શું ન કરવું: ગભરાવું નહીં, સાપને ચીડવવો કે ખલેલ પહોંચાડવી નહીં, દંશ સ્થળે કાપવું કે ચૂસવું નહીં, તાંત્રિક અને ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર રહેવું નહીં, સાપને પકડવાનો કે મારવાનો પ્રયાસ કરશો નહીં, ‘વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨’ હેઠળ સાપને મારવો કે નુકસાન પહોંચાડવું ગુનો બને છે.