સંધિવાને લગતા રોગોની માહિતી લોકોને ઉપલબ્ધ કરાવવા રહ્યુમેટોલોજી એસોસીએશન ગુજરાતે વેબસાઇટ બનાવી છે
વડોદરા: સંધિવા (આર્થરાઇટીસ) એ પીડાદાયક હઠીલો રોગ છે જેના કારણો, લક્ષણો અને નિવારણોની લોકસમુદાયમાં જાગૃતિ કેળવવા દર વર્ષે તા.૧૨મી ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ વર્લ્ડ આર્થરાઇટીસ ડે (સંધિવા જનજાગૃતિ દિવસ) ઉજવવામાં આવે છે.
જાણીતા રૂમેટોલોજીસ્ટ ડૉ. પ્રદીપ પ્રજાપતિ જણાવે છે કે, વિશ્વની અર્ધાથી એક ટકો વસતિ રૂમેટાઇડ આર્થરાઇટીસ (આરએ) થી પીડિત હોવાનો અંદાજ છે. વિશ્વ પ્રસિદ્ધ વાર્તાકાર ઓ. હેનરીની અમરકૃતિ ધી લાસ્ટ લીફમાં એક જગ્યાએ ન્યુમોનીયા માટે એવું કહેવાયું છે કે એ સ્ત્રી દાક્ષિણ્યસભર સજ્જન (શીવલરીક જેન્ટલમેન) નથી. આરએ અંગે પણ કંઇક એવું જ કહી શકાય કે સ્ત્રી દાક્ષિણ્ય વિહોણો રોગ છે કારણ કે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં તેનું પ્રમાણ ત્રણ ગણું વધુ જણાયું છે.
સંધિવાના વિવિધ પ્રકારો છે જે શરીરના વિવિધ અંગોને અસર કરે છે. આર.એ. ઉપરાંત માયોસાઇટીસ (સ્નાયુઓનો વા), ગાઉટ, વાસ્ક્યુલાઇટીસ, એન્કાયલોસીંગ સ્પોન્ડાઇલાઇટીસ (મણકાનો વા), સ્કલેરોડર્મા, લ્યુથસ જેવા પ્રકારના સંધિવા થાય છે. આ રોગને આમ તો ઉંમરનો બાધ નથી એટલે કે કોઇપણ ઉંમરે થઇ શકે છે પરંતુ ૨૦ થી ૫૦ વર્ષની ઉંમરમાં વધારે પડતો જોવા મળે છે. મુખ્યત્વે શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) માં ફેરફાર થવાથી આ પ્રકારના રોગો થાય છે.
આર.એ.ના મુખ્ય લક્ષણોમાં સાંધામાં દુઃખાવો, સોજો, સાંધા જકડાઇ જવા એ પ્રકારના છે જેનાથી રોજીંદા જીવન કાર્યોમાં મુશ્કેલી પડે છે. લાંબા સમય સુધી આ રોગ કાબુ બહાર જાય તો સાંધામાં ખરાબી આવી શકે છે.
રૂમેટોલોજી એસોસીએશન ઓફ ગુજરાતના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર.એ. અને અન્ય પ્રકારના વાની સારવાર શક્ય છે. તેની સારવારમાં ઝડપી અને સચોટ નિદાન મહત્વપૂર્ણ ગણાય છે. રોગગ્રસ્તો ખોટી માન્યતાઓથી દોરવાયા વગર ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર કરાવે અને નિયમિત કસરત કરે એ ઇચ્છનીય છે. ભારતીય યોગ પરંપરા આ રોગના નિયંત્રણમાં ઉપયોગી છે. જો કે આ બાબતમાં નિષ્ણાત યોગાચાર્યના માર્ગદર્શન હેઠળ યોગોપચાર કરવો હિતાવહ છે.
આરએજી એટલે કે રૂમેટોલોજી એસોસીએશન ગુજરાતે સંધિવા પ્રકારના રોગોની માહિતી સુલભ બનાવવા અને વ્યાપક જનજાગૃતિ કેળવવા એક વેબસાઇટ બનાવી છે. www.ragindia.org નામક આ વેબસાઇટની મદદથી જુદા જુદા પ્રકારના સંધિવાને લગતી અધિકૃત જાણકારી મેળવી અને ડાઉનલોડ કરી શકાય છે. આ વિનામૂલ્યે ઉપલબ્ધ સેવા છે.