રાજ્યના ક્ષય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો જ્યાં સુધી ઉકેલ નહિ આવે ત્યાં સુધી કાલે તા. ૩૧ માર્ચથી અચોક્કસ મુદત માટે અસહકારનું આંદોલન શરૂ કર્યું છે. જોકે દર્દીઓના સ્વાસ્થ્યને કોઇ નુકશાન ન થાય તે જોવાની ખાત્રી સંઘે આપી હતી. આમ છતાં પ્રશ્નો નહિ ઉકેલાય તો જરૂર પડયે આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.
સુધારેલ રાષ્ટ્રિય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે લગભગ ૧૯૯૭ થી ટીબી જેવા ચેપી રોગના દર્દીઓ સાથે સતત સંપર્કમાં રહી ટીબીને નાથવા પાયાની ભૂમિકામાં રહેલ અને મહત્વના એવા કરાર પદ્ધતિથી શોષિત કર્મચારીઓની પગાર વધારો, મેડીકલ સહાય, રજાઓ, કરાર નવિનિકરણમાં ગુજ.હા.કોર્ટના આદેશોનો ભંગ, અકસ્માત વળતર સહાય, ફરજ દરમ્યાન મૃત્યુ સહાય, વગેરે બાબતની પડતર માંગણીઓ સંતોષવા આંદોલનના માર્ગે જશે.
વારંવાર તેમજ તાજેતરમાં ફરી તા.૨૯ના ગાંધીનગર મેડીકલ કોલેજ હોલ ખાતેના વર્કશોપમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષની રૂબરૂ રજૂઆત સહ લેખિત આવેદન અપાયા બાદ પણ ઉચ્ચ સરકારી અધિકારીઓની દ્વેષભાવપૂર્ણ, અને શોષણયુક્ત નિતિઓને કારણે સંતોષપૂર્ણ જવાબ અને લેખિત ખાત્રીઓ ન મળવાના કારણોસર વ્યાપેલ અસંતોષ અને આક્રોશને પરિણામે તા.૩૧ માર્ચથી ગુજરાત રાજ્યના ટીબી વિભાગના તમામ કરારી કર્મચારીઓ પોતાની માંગણીઓ લેખિત નિવેદનો સ્વિકારાય નહી અને તે અંગે યોગ્ય લેખિત જાહેરાતો કરવામાં આવે નહી ત્યાં સુધી જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએથી અસહકાર આંદોલન કરી માત્ર દર્દીઓના હિતની સેવાઓ આપી અન્ય તમામ કાર્યોથી અળગા રહી, આંદોલન શરુ કર્યું છે.