જો જો છેતરાતા નહીં, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી વખતે ખેડૂતોએ શું કાળજી રાખવી જોઈએ?

Rudra
By Rudra 2 Min Read

ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

રાજ્યની ખેતી નિયામક કચેરીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય ખેતી માટે જરૂરી ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદી કરેલા ઇનપુટનું નામ, લોટ નંબર વગેરેની વિગતો દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થઇ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ.

પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો કોઇપણ ખેડૂતના ધ્યાને આવે તો તાત્કાલિક ધોરણે સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને તુરંત જ જાણ કરવા, ખેતી નિયામક કચેરી દ્વારા ભલામણ કરવામાં આવી છે.

Share This Article