વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યરત મિતલબેન પટેલના  પુસ્તક પર આધારિત ફિલ્મ “ભારત મારો દેશ છે” ને મળ્યા 6 એવોર્ડ્સ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદ:ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક “સરનામાં વગરના માનવીઓ” પર આધારિત ગુજરાતી ફિલ્મ  “ભારત મારો દેશ છે” ને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ “ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021” માં 6 એવોર્ડ્સ મળ્યા  છે. મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો  કરતાં આવ્યાં છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી  જગ્યાએ વિચરતા રહે છે, તેમની પાસે એ પણ પૂરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે. મિત્તલબેને આ જાતિના લોકોની  વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ- કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ  “ભારત મારો દેશ છે” ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે.

PHoto 02 1

આ સુંદર વિષય- વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું  કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે. ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા  સંજય શાહ “જેકી” એ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિર્ગદર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, કૌશાંબી ભટ્ટ, મનિષા ત્રિવેદી, પ્રશાંત  બારોટ, રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્દભૂત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત  બનાવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉન  સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રજૂ થશે.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસરનો એવોર્ડ ક્રિષ્ના શાહને તથા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને શ્રેષ્ઠ દિર્ગ્દર્શક તથા મહિલા  સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ફિલ્મ દિર્ગ્દર્શક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા. ફિલ્મમાં મુખ્ય પાત્ર  ભજવનાર ડેનિશા ઘુમરાને પણ  મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તથા સહાયક અભિનેત્રી તરીકે મનીષા ત્રિવેદીને રાજ્ય  સરકાર તરફથી એવોર્ડ મળેલ છે. ઉપરાંત શ્રેષ્ઠ ડ્રેસ ડિઝાઈનર તરીકે કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જોશીને એવોર્ડ એનાયત  કરાયો હતો.

WhatsApp Image 2024 03 21 at 18.39.38

ફિલ્મના પ્રોડ્યુસર ક્રિષ્ના શાહે જણાવ્યું હતું કે,”સારી ફિલ્મ ક્યારેય સારી ટીમ વગર શક્ય નથી. તેથી ફિલ્મના પરદા પરના અને પરદા પાછળના એમ દરેક કલાકાર- કસબીઓ ખૂબ અગત્યના હોય છે. અમે અમારી ફિલ્મમાં વિચરતા સમુદાયના  લોકોના જીવનની વાતને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે. આ ફિલ્મનો વિષય જ તેનું અત્યંત મહત્વનું પાસું છે. આ પ્રકારની  સંવેદનશીલ વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે કે જેનાથી આપણા દેશના આ અભિન્ન સમુદાયના લોકોને વાચા મળે. અમે આ ફિલ્મ  બનાવીને એક ભારતીય  તરીકે ગર્વ અનુભવીએ છીએ.”

મિત્તલબેન પટેલે અનુભવેલા પ્રસંગો અને ઘટનાઓ તેમણે પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ આજ ઘટનાઓ ફિલ્મમાં નાટ્યાત્મક સંવેદનશીલ રીતે રજૂ કરાયા છે. ભારતીય સમુદાયમાં આ એક એવો સમુદાય છે કે પોતાનો ભારતીય હોવાનું અસ્તિત્વ માંગી રહ્યો છે અને ઘણાં વર્ષોથી રઝળપાટ કરી રહ્યો છે. અભણ અને પછાત દશામાં લાચાર રીતે જીવન જીવી રહ્યો છે. આ સમુદાયને મદદ કરવાનો સંદેશ આપતી ફિલ્મ એટલે “ભારત મારો દેશ છે.”ફિલ્મ જે સમુદાય પર આધારિત છે તેમની મોટા ભાગની વસ્તી ગુજરાતમાં ઇડરમાં વસે છે તેથી આ ફિલ્મનું શૂટિંગ ઇડર ખાતે લાઈવ લોકેશનમાં જ કરવામાં આવ્યું છે, જેના માટે ત્યાંના ધારાસભ્ય અને કથાના નાયક હિતુભાઈ કનોડિયાએ ખૂબ મદદ કરી.વિચરિત સમુદાયના કચડાયેલા, અશિક્ષિત, બેરોજગાર, રઝળપાટ કરતાં માનવીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી મદદ કરવાનો અને તે લોકો સમાજમાં સ્વમાનભેર ઊભા રહે તે માટે મદદ કરવાનો સંદેશ શહેરોમા રહેતાં શિક્ષિત લોકો સુધી પહોંચે તે આ ફિલ્મ થકી એક પ્રયાસ છે.

Share This Article