અમદાવાદઃ શહેરના બાપુનગર વિસ્તારમાં મારામારી તેમજ દારૂના કેસમાં સંડોવાયેલી એક આરોપી મહિલા બુટલેગર ગઇકાલે મોડી રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી સિફતતાપૂર્વક ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, મહિલા બુટલેગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ જતાં ઉચ્ચ પોલીસ અધિકારી ડીસીપીએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી અને આ ઘટના માટે જવાબદાર અને ફરજમાં ચૂક દાખવનાર એક એએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.
જેને પગલે શહેરભરના પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાપુનગર પોલીસના લોકઅપમાંથી મહિલા બુટલેગર ફરાર થઇ જવાની આ ગંભીર ઘટનામાં ઝોન-પના ડીસીપી હિમકરસિંહે એક આસિ. સબ ઇન્સ્પેકટર, બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા હતા. ચાર પોલીસ કર્મચારી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાતાં શહેરભરના પોલીસ બેડામાં સસ્પેન્શનનો મામલો ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
બીજીબાજુ, બાપુનગર પોલીસે ચારેય પોલીસ કર્મચારીઓ સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ ગુનો પણ દાખલ કર્યો છે, જેને લઇ આ પોલીસ કર્મચારીઓની મુશ્કેલી વધી છે. દરમ્યાન એચ ડિવિઝનના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, બાપુનગરની માથાભારે સિતારા નામની મહિલા બુટલેગર મારામારી તેમજ પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ હતી. બાપુનગર પોલીસે ગઇકાલે તેની ધરપકડ કરી હતી. મોડી રાત્રે સિતારા એએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ચકમો આપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ડીસીપીને થતાં તેમણે તમામ પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. પોલીસે ફરાર મહિલા બુટલેગરને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.