શહેરના આંબાવાડી વિસ્તારમાં પાંજરાપોળ પાસે થોડા દિવસ પહેલાં જ બીઆરટીએસ બસની ટક્કરે બે સગા ભાઇઓના મોત નીપજયા હતા એ જ વિસ્તારમાં ગયી કાલે પોતાના પતિ સાથે એકટીવા પર જઇ રહેલી મહિલાને એક ડમ્પરચાલકે અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયુ હતું. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવ બાદ નાસી છૂટેલા ડમ્પરચાલકને પોલીસે આગળના સિગ્નલ પાસેથી ઝડપી લીધો હતો. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે અકસ્માતો વધી રહ્યા છે, આજે ૨૦ દિવસમાં જ પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીજો અકસ્માત થયો છે.
આ અકસ્માતમાં એક ડમ્પરચાલકે એકટીવા પર જઇ રહેલા પતિ-પત્નીને અડફેટે લીધા હતા, જેમાં એકટીવા પરથી જમીન પર પટકાયા બાદ ડમ્પરનું ટાયર મહિલા સુભદ્રાહેન ચોકસીના માથા અને શરીરના અન્ય ભાગે ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતું. જો કે, આ ગંભીર અકસ્માતમાં પતિનો આબાદ બચાવ થયો હતો. મહિલાના મોતને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. બીજીબાજુ, અકસ્માત કર્યા બાદ નાસી છૂટેલા ડમ્પર ચાલકને આગળના સિગ્નલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત ૨૧ નવેમ્બરના રોજ પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસની બસે બાઈક ચાલકને અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત થયા હતા.
આ મોત સમગ્ર શહેરમાં બીઆરટીએસ બસ અને શહેરમાં વધી રહેલા અકસ્માતોને લઈ શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પાંજરાપોળ પાસે અકસ્માતોની સંખ્યા હવે વધતી જતી હોઇ સ્થાનિક લોકોએ પણ યોગ્ય પગલા લેવા સત્તાવાળાઓને અનુરોધ કર્યો છે.