કામની શરૂઆતમાં દસ એવી મુસીબતો નજર સામે દેખાય છે જેમાંથી આશાવાદી માણસ કામ શરુ કરતા જ નવ મુસીબત દુર ધકેલાઈ જતી હોય છે, જયારે નિરાશાવાદી માણસ દસ મુસીબતના ભયથી કાર્યની શરુઆત જ કરતો નથી. કાર્યના પ્રારંભમાં જ જો તમને એવો વિચાર આવે છે કે તમે આ કાર્યમાં સફળ નહિ થઇ શકો તો શું કરશો? તમારી પાસે બે વિકલ્પ છે ક્યાં તમે તમારી જાતને નિષ્ફળતાના પગે મૂકી દો ક્યાં પછી સફળ નહિ થવાય એવા વિચારને તમારા દિમાગ માંથી કાઢીને ફેંકી દો.
કોઈ પણ કાર્યનો પ્રારંભ માનસિક પ્રેરણાથી થાય છે, વ્યકિતના મનમાં કાર્ય અંગે કલ્પના કરે છે , પોતે એ કાર્ય કેવી રીતે કરશે તેની હકારત્મક સૂચી તૈયાર કરે છે અને તે સૂચી સફળતા અંગેની આશા ઉત્પન્ન કરે છે. તેણે પહેલેથી જ પોતાના મનને પણ એવી જ રીતે કેળવ્યું હોય છે કે સફળતા મોટી જોઇશે તો મુસીબત પણ મોટી જ આવવાની છે પણ એ મુસીબત સામે હાર માનવાને બદલે તેની સામે લડીને તેમાંથી કોઈ રસ્તો કાઢીને પણ આગળવધી શકે છે.
આપની કાર્ય શૈલીમાં આપના વિચારોનો બહુ ઉમદા ફાળો છે, જે આપણને ધાર્યા પરિણામ સુધી પહોંચાડે છે, નબળા વિચારો જીવનમાં નબળાઈ લાવે છે. વિશ્વમાં આત્મહત્યાના જેટલા બનાવો દરરોજ બને છે તેમાંના ૯૦% બનાવો નબળી અને નકારાત્મક માનસિકતાના કારણે બને છે. સમાજમાં થતી અઘટિત ઘટનાઓ પાછળ નકારાત્મક વિચારોનો ખાસો ફાળો છે.
આપની પાસે બે પ્રકારના વિચારો હોય છે એક હકારાત્મક અને બીજા નકારાત્મક. નક્કી તમારે કરવાનું છે કે તમે કયા પ્રકારના વિચારોની પસંદગી કરો છો, હકારાત્મક વિચારો વિના જિંદગી અધુરી છે, પોઝીટીવ વિચારો જીવનને ખુશખુશાલ બનાવે છે, જયારે ચારેકોર અંધારું હોય છે ત્યારે નાનું અમથું કોડિયાનો પ્રકાશ અંધકારને દુર કરે છે તેમ જીંદગીમાં પ્રસરેલા અંધકારને દુર કરવા હકારાત્મક વિચારોની ચિનગારી આપવી પડે છે, તમે જેવા વિચારો કરશો તેવી પ્રાપ્તિ થશે- સકારાત્મક વિચારનો વ્યકિત પોતાના ઉદ્દેશને પાર પાડવા સકારાત્મક વિચારો કરે છે, તમારો અભિગમ તમારા ભાગ્યની રેખાઓ બદલે છે. પોઝીટીવ વિચારો લોહચુમ્બક જેવા હોય છે તે પોતાના જેવા અન્ય વિચારોને ખેંચી લાવે છે, માટે હંમેશા હકારાત્મક વિચારના આદિ બનો અને તમે જોશો કે જીવનની પ્રણાલીમાં ખાસો એવો ફેરફાર નોંધાય છે…
છેલ્લે.. વિચારો ગોગલ્સ જેવા હોય છે તમે જેવા રંગના ગોગલ્સ પહેરો છો તેવી દુનિયા દેખાય છે.
નિરવ શાહ