પ્રેમ…એક અદભુત લાગણી…પ્રેમ થાય ત્યારે દુનિયા આખી સુંદર લાગવા લાગે…બધી જ વસ્તુ અચાનક ગમવા લાગે…વર્ષોથી જે વસ્તુઓથી ચીડ હોય તે પણ જો તમારું પ્રિયપાત્ર કરે તો પસંદ આવવા લાગે. વાત આગળ વધે….પ્રેમનો પહેલો તબક્કો વસંતબહારનો હોય…પછી જેમ જેમ પ્રેમનાં બીજા તબક્કામાં પ્રવેશ થાય એટલે એકબીજા પર હક જમાવવાનો શરૂ થઈ જાય. અહીં હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે તે નિયમ લાગુ પડતો નથી. અહીં હક એટલે ફક્ત અને ફક્ત એક્સપેક્ટેશન્સ.
પ્રેમનાં આ બીજા તબક્કામાં જ અપેક્ષાઓ, જીદ, રીસામણા અને વાંધા શરૂ થઈ જતા હોય છે. દરેક વ્યક્તિને મનમાં એમ જ થાય છે કે તેનાં પ્રિયજનને કહ્યાં વગર ખબર કેમ ન પડે? તેને ખબર છે કે મને આ વસ્તુ ગમે છે તો તેને કેમ યાદ ન રહ્યું… તે મારી બર્થડે કેવી રીતે ભૂલી શકે છે…તેની પ્રાયોરીટીમાં હું કેમ નથી… જો સાચો પ્રેમ હોય અને મારી પ્રાયોરીટી તે છે તો તેની પ્રાયોરીટી હું કેમ નથી…તેના કરતા તો મારા બીજા ફ્રેન્ડ્સ સારા જેમના માટે પ્રાયોરીટી લિસ્ટમાં હું હોઉ છું….એક નાનું કામ કહ્યું હતું તે પણ ન કર્યું, ન કરવું હોય તો કંઈ નહીં પણ ખોટા પ્રોમિસ તો નહોતા કરવા…ભવભવ સાથે રહેવાના વાયદા કર્યા છે તો આજે મળવાની ના કેમ પાડી…હું તેના માટે બધુ સાઈડમાં મૂકી શકું તો તે કેમ નહીં…મને તેની નાનામાંનાની ઈચ્છા વગર કીધે ખબર પડી જાય છે તો તેને કેમ ખબર નથી પડતી…આવી વાતો તમે પણ તમારી આસપાસ સાંભળી જ હશે. જો તમે પણ આવી જ કન્ડીશનમાં હોવ તો જરાક બેસીને એ વિચારી જુઓ કે તમે પોતાની જાતને પણ ઘણા બધા કમિટમેન્ટ કરતાં હોવ છો. પોતાની જાતને પણ ઘણા બધા નિર્દેષો આપતા હોવ છો. તો શું તમે પોતાને કરેલા તમામ પ્રોમિસ નિભાવી શકો છો? જો તમે તમારી જાતને કરેલા પ્રોમિસ પણ બધા પૂરા નથી કરી શકતા તો સામેની વ્યક્તિ પાસે એક્સપેક્ટેશન શા માટે…? જ્યારે કોઈ તમને પ્રેમ કરે છે ત્યારે તેની સામે અપેક્ષાઓ રાખતી વખતે એ પણ વિચારો કે તેની પણ કેટલીક અપેક્ષાઓ હશે, જેને તમે સમજી શકો. જ્યારે તમારુ કોઈ પ્રિયપાત્ર તમારા માટે કંઈ પણ એફર્ટ કરે છે ત્યારે તેનાં પ્રયાસને જુઓ. તેના ઈન્ટેન્શનને જુઓ. તમારા માટે શું મહત્વનું છે… સાચા ઈરાદાથી કરેલો નાનકડો પણ પ્રયાસ કે તમે રાખેલી અને તેમણે ન પૂરી કરી શકેલી અપેક્ષા? વિચાર કરી જો જો…
– પ્રકૃતિ ઠાકર