તમે કોને પ્રેમ કરો છો…તમારા પ્રેમીને કે તેના ઈગોને…?

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

કહેવાય છે કે એક સ્ત્રી જ્યારે કોઈને પ્રેમ કરે છે ત્યારે તે વ્યક્તિ પર સંપૂર્ણ ન્યૌછાવર થઈ જાય છે. તેનાં પ્રિયતમને ભગવાનથી પણ ઉપરનો દરજ્જો આપતા તેને એક ક્ષણનો પણ સંદેહ નથી થતો…પણ જો કોઈ એ સ્ત્રીનાં સ્વમાનને હચમચાવી નાખવાની કોશિષ કરી તો આ સ્ત્રી કોઈ પણ વ્યક્તિ માટે દૂર્ગાનું સ્વરૂપ લેતા ખચકાતી નથી. આપણે બાળહઠ્ઠ અને રાજહઠ્ઠ સામે ભલભલાને માથા ઝૂકાવતા જોયા છે, પણ તે બંનેની ઉપર છે સ્ત્રીહઠ. જ્યારે કોઈ સ્ત્રી તેની હઠ પર આવી જાયને ત્યારે ભલભલામાં રજવાડા પણ લૂટાઈ જાય છે અને એ જ સ્ત્રી ધારે તો બીજાના ઈગોને પણ હથેળીમાં રાખી શકે છે.

આજે આ મંચ પર હું વાત કરી રહી છું મેલ ઈગોની.  હું એક પ્રોફેસર છું. મારા પતિ મારી જ કોલેજમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. તે સ્વભાવે થોડા તામસી છે. લગ્ન જીવનનાં ૨૦ વર્ષ પછી પણ અમારી વચ્ચે પ્રેમ અને ઈગો એટલો જ અકબંદ છે. તમને થશે પ્રેમ તો બરાબર પણ ઈગો…? તો હા, તમે સાચુ જ સાંભળ્યુ છે…ઈગો પણ. કેમ ન હોય… તમને થશે કે સ્વમાન અને સ્વાભિમાન રાખવું સારી બાબત છે પણ ઈગો…

વર્ષોથી મારા પતિને તેમની સત્તાનો ઈગો, તેમની લાઈફસ્ટાઈલનો ઈગો, તેમનાં એન્ટિક કલેક્શનનો ઈગો અને તે બધ્ધાની ઉપર પુરુષ હોવાનો ઈગો…ગમે તે પરિસ્થિતિમાં પણ તેમણે તેમનાં ઈગોને આંચ આવવા નથી દીધી. મેં પણ જાણે આટલા વર્ષ તેમનાં ઈગોને મારી જવાબદારી કે ફરજ સમજીને સાચવી રાખ્યો. શું કરું પ્રેમ જ એટલો કરતી હતી કે તે મને ગમે ત્યારે, ગમે તેની સામે ઉતારી પાડે, મારું અપમાન કરે, બીજાને હસાવવા હેતુથી મારી મજાક બનાવે તો પણ હું ગમ ખાઈ જતી..અને હસીને દરેક પરિસ્થિતિને સહજતાથી લઈ લેતી. આ બધુ પરિસ્થિતિ શાંત પડ્યા પછી મારા મનને ખૂંચતુ હતુ. મારી અંદરનાં સેલ્ફ રીસ્પેક્ટનો રોજે રોજ સંહાર થતો હોય તેવું લાગતુ હતું. જ્યારે તે મને ચાર માણસની વચ્ચે મશકરીનું સાધન બનાવતા ત્યારે મને એટલી જ શરમ અવતી જેટલી કદાચ હું સ્નાન કરતી હોઉં અને કોઈ મને જોઈ રહ્યું હોય. ઘણી વખત આ મશકરીનું લેવલ એટલુ વધી જતુ કે લોકો પણ મને મૂર્ખ અને તુચ્છ સમજવાનું શરૂ કરી દેતા. હું એક પ્રોફેસર હતી. જ્યાં એક તરફ વિદ્યાર્થીઓ મને માન સન્માન આપતા,  પરીક્ષા સમયે મને પગે લાગીને જતાં ત્યાં બીજી તરફ આ અપમાનનાં ઘૂંટડાં ભરવા પડતાં હતા. દર ત્રીજા દિવસે ઘરમાં તેમનાં મિત્રો સાથે મહેફીલ જામે અને તેમનાં હાસ્યનાં વિષયો ખતમ થઈ જાય અટલે ટાર્ગેટ મને બનાવે. ૨૦ વર્ષથી મેં તેમનો ઈગો સાચવ્યો છે…કેમકે પતિ પ્રત્યેનો પ્રેમ તેનાં પર હાવી થઈ જતો હતો. હવે જ્યારે હું રીટાયર્ડ થવાની ઉંમરે પહોંચી છું ત્યારે મને એમ થાય છે કે હું કોને પ્રેમ કરતી હતી…પતિને કે તેનાં ઈગોને….ત્યારે મારી અંદરથી જવાબ આવ્યો કે પતિ માટેનો પ્રેમ અલગ વસ્તુ છે પણ હવે મને મારા ઈગોને પણ પ્રેમ કરવો જોઈએ. કાલથી એ રીટાયર્ડ થાય છે અને પ્રિન્સિપલની ખુરશી હું સંભાળવાની છું. તે ખુરશી પર બેસતા પહેલા હું પ્રતિજ્ઞા લેવા માગુ છું કે હું પતિને સો ટકા પ્રેમ કરીશ પણ તેનાં ઈગોને નહીં…આ મંચ પર હું ઉભી રહીને તમામ સ્ત્રીઓને પણ આ જ પ્રશ્ન પૂછવા માગું છું તે તમે કોને પ્રેમ કરો છો…પતિને કે તેના ઈગોને….!

 

 

 

 

 

TAGGED:
Share This Article