અમદાવાદ: વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે ગાંધીનગર ખાતે યોજાયેલી સ્ટેટ આઉટ રીચ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિદેશ મંત્રાલયે વિદેશોમાં વસતા બિનનિવાસી ભારતીયોને દેશવાસીઓ સાથે જાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે બે દિલોને જોડવા મજબૂત બ્રીજ બાંધ્યો છે, જેથી રાષ્ટ્રના વિકાસમાં એનઆરઆઈના સહયોગને નવું દિશાદર્શન મળે.
વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારના સહયોગથી ગાંધીનગર ખાતે યોજાયેલી કોન્સ્યુલેટ, પાસપોર્ટ અને ડાયસ્પોરા સંદર્ભેની સ્ટેટ આઉટરીચ કોન્ફરન્સમાં મંત્રી અકબરે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયના કાર્યક્ષેત્રના કેન્દ્રમાં વિદેશમાં વસતા કે વિદેશ જવા માંગતા ભારતીય નાગરિકોનું હિત રહેલું છે. આવા નાગરિકોની સમસ્યાનો ઉકેલ અને ગુણવત્તાલક્ષી જીવન માટેના પ્રયાસો જ નહીં કામ માટે વિદેશ જતાં કામદારોનું હિત અમારી પ્રાથમિકતા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અમારા માટે વ્હાઇટ કોલર, બ્લ્યુ કોલ એવા કામના પ્રકાર નથી. તિરંગા કોલર જ અમારા માટે મહત્વ ધરાવે છે.
આ કોન્ફરન્સને બીગીનિંગ ઓફ જર્ની ગણાવતા મંત્રી એમજે એકબરે ઉમેર્યું હતું કે, વિદેશ મંત્રાલય રાજ્ય સરકારોની સહભાગીતા મેળવીને માત્ર ભારત દેશનું જ નહીં ભારતીય નાગરિકોનું વિશ્વભરમાં પ્રતિનિધિત્વ કરવાનો ધ્યેય રાખે છે જેના ભાગરુપે જ રાજ્યોમાં આવી આઉટરીચ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે જ વિશ્વભરના એનઆરઆઈ સમુદાયમાં એક વિશ્વાસનું નિર્માણ થયું છે જેના કારણે હવે બેસ્ટ માઇન્ડ સ્વદેશ પરત ફરી રહ્યા છે. વિદેશ જવા માંગતા નાગરિકોની અનેકવિધ સમસ્યા તરફ આંગળી ચીંધતા મંત્રી અકબરે ખાસ કરીને કામદારોને ઉલ્લેખીને જણાવ્યું હતું કે, અમે વિદેશ જતાં કામદારોને જાગૃત કરીને સુરક્ષિત જાઓ, પ્રશિક્ષિત જાઓના ધ્યેય સાથે કામ કરી રહ્યા છે.