અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપા સરકાર તૃષ્ટિકરણ કે વોટબેંકની રાજનીતિ નહીં માત્ર વિકાસના એક માત્ર લક્ષ્ય સાથે ૨૩ વર્ષથી સુશાસન આપી રહી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વિકાસ એ જ માત્ર અમારો એજન્ડા છે. સાડા છ કરોડ ગુજરાતીઓના સર્વગ્રાહી વિકાસમાં જાતિ-પાતિ કોમ ધર્મ સંપ્રદાયથી ઉપર ઊઠીને ગુજરાત અમારો આત્મા- પરમાત્મા એવા સર્વાંગી ઉન્નતિ ભાવથી સરકારે શાસન દાયિત્વ નિભાવ્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની નવીનીકરણ પામેલી કચેરી તેમજ સીટીઝન ચાર્ટરના લોકાર્પણ અવસરે ઉપસ્થિત વિશાળ લઘુમતી સમુદાયોને સંબોધન કરી રહ્યા હતા.
તેમણે સુરતના એકતા ટ્રસ્ટને એમ્બ્યુલન્સ કમ શબવાહિનીની ચાવી અર્પણ કરી લોકાર્પણ કર્યુ હતું. તેમણે સામજિક સમરસતા, સૌહાર્દ સંવેદનાને વિકાસ માટે આવશ્યક ગણાવતા એવો વિશ્વાસ આપ્યો હતો કે, કોઈ પણ ભેદભાવ વગર સૌના કલ્યાણના ભાવથી આ સરકાર આગળ વધશે. લોકોની સરકાર, સંવેદનશીલ, પારદર્શી સરકાર તરીકે સાડા છ કરોડ ગુજરાતીઓના હિતને વરેલી રહેશે. વિજય રૂપાણીએ દેશમાં મુસ્લિમોની સૌથી સારી સ્થિતિ ગુજરાતમાં છે તેવા, સાચર કમિટીના અહેવાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જેમણે દેશમાં ૫૦-૫૦ વર્ષ રાજ કર્યું તેવા કોંગ્રેસ પક્ષે મુસ્લિમ સમુદાયનો વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કર્યો અને શિક્ષણ, રોજગાર, આર્થિક ક્ષેત્રે પાછળ રાખવા કોંગ્રેસ જ જવાબદાર છે. કોંગ્રેસે જ સાચર કમિટીને દેશમાં લઘુમતીઓની સ્થિતિના સર્વે માટે નીમીને તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂતકાળના કોંગ્રેસી શાસકોએ હિંદુ મુસ્લિમને અલગ પાડયા છે ભડકાવ્યા છે. ગુજરાતમાં ૨૦૦૧થી ભાજપા સત્તામાં આવી ત્યારથી કોઈ જ કોમી બનાવો થયા નથી કે ખાઈ વધી નથી જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે જ તોફાનો થયા છે એમ તેમણે સ્પષ્ટ પણે ઉમેર્યું હતું. વિજય રૂપાણીએ સ્વરાજ્ય બાદ સુરાજ્યની દિશામાં દેશ આગળ વધ્યો છે ત્યારે વોટબેંકની રાજનીતિ ખતમ થાય એની આવશ્યકતા સમજાવી હતી. તેમણે કહ્યું કે મત માટે માણસ નહીં પરંતુ માણસને કેન્દ્રમાં રાખીને યોજનાઓ અને કાર્યપદ્ધતિ અમે વિકસાવી છે.
ગુજરાતમાંથી સૌથી વધુ મુસ્લિમો હજ પઢવા જાય છે એ જ મુસ્લિમોની આર્થિક પ્રગતિની નિશાની છે એવો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમે જે યોજનાઓ બનાવીએ છીએ તેમાં ગરીબ વંચિત પીડિત લઘુમતી બહુમતી સૌનો વિકાસ કેન્દ્ર સ્થાને રાખીને જ બનાવીએ છીએ. મત મેળવવા માટે યોજના બનાવવાનું નહીં, અપિઝમેન્ટની રાજનીતિ પણ નહીં પરંતુ જસ્ટિસ ટુ ઓલનો ધ્યેય ભારતીય જનતા પાર્ટીએ અપનાવ્યો છે ત્યારે હવે સત્યને પારખવાનો સમય આવી ગયો છે એમ મુખ્યમંત્રીએ સૌના સાથ સૌના વિકાસની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું હતું. વિજય રૂપાણીએ રાજ્યમાં એ વિવિધ ૧૨ હજાર જેટલા ટ્રસ્ટ્રોની કામગીરીના સંકલન અને યોજનાઓના અમલીકરણ માટે વકફ બોર્ડે સીટીઝન ચાર્ટર અમલી બનાવ્યો તે માટે અભિનંદન પાઠવ્યા હતા.