અમદાવાદ : હજુ તો સુરતના ટ્યૂશન ક્લાસના બાળકો ડાંગ પ્રવાસે ગયા હતાં અને જે ગોઝારો અકસ્માત નડ્યો તેના આંસુ સૂકાયા નથી ત્યાં તો ગણતરીના કલાકોમાં ફરી એક અકસ્માત થયો હતો. અમદાવાદના નારોલની વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઇસ્કૂલની શાળાના વિદ્યાર્થીઓ ભરેલી બસને પંચમહાલના ગોધરાના પરવડી પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો. જા કે, આ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો, પરંતુ બસના ક્લિનરનું મોત થયું હતું.
અકસ્માતમાં શાળાના ૨૪ જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થતાં ગોધરાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના નારોલ વિસ્તારની વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઇસ્કૂલના ૮૫ જેટલા વિદ્યાર્થીઓને લઇને બસ પ્રવાસે નીકળી હતી. વિદ્યાર્થીઓને ઉજૈજન સહિતના સ્થળોએ પ્રવાસ કરાવ્યા બાદ બસ પરત ફરી રહી હતી ત્યારે પંચમહાલના ગોધરાના પરવડી પાસે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક જાણકારી મુજબ ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓને મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે પ્રવાસે લઈ જવાયા હતાં અને ત્યાંથી પરત અમદાવાદ આવતા ગોધરા પાસે આ અકસ્માત થયો.
ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ક્લિનરે અચાનક બહાર છલાંગ લગાવી હતી. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જા કે, અન્ય ૨૪ વિદ્યાર્થીઓને સામાન્ય અને હળવી ઇજાઓ પહોંચી હતી. આમ, ગંભીર અકસ્માતમાં વિદ્યાર્થીઓ બચી જતાં શાળા સત્તાધીશો સહિત વિદ્યાર્થીઓના વાલીઓ અને સરકારી તંત્રએ રાહતનો દમ લીધો હતો. ઘટનામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જો કે હવે હાલત સુધારા પર છે. બાદમાં અમદાવાદ ની વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડર હાઇસ્કૂલ દ્વારા અન્ય બસ ગોધરા ખાતે મોકલવામાં આવી હતી. જે બસમાં વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે પરત લાવવામાં આવ્યા હતા. ગોધરા પોલીસે હાથ ધરેલી તપાસમાં એવી વાત પણ સામે આવી હતી કે, સ્કૂલ બસની ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ તેમાં સવાર હતાં. બસમાં ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૧૦ ઉપરાંત શિક્ષકો મળી કુલ ૮૫ જેટલા લોકો સવાર હતાં.
ત્રણ દિવસ અગાઉ જ ડાંગના મહાલ-બરડીપાડા માર્ગ પર સુરતના અમરોલીના ૮૨ વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક બસ ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ૧૦ વિદ્યાર્થીઓના મોત થયા હતાં. બસમાં સુરતના અમરોલીમાં ચાલતા ટ્યુશન ક્લાસિસના વિદ્યાર્થીઓ હતા. અમરોલીમાં આવેલા ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં ૭ નંબરના ફ્લેટમાં આ ક્લાસ ચાલતા હતા. નીતા બહેન પટેલ નામની મહિલા આ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. અને નીતા બહેન પોતે જ વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ પર ગયા હતા. આ અક્સ્માતને લઇ ટયુશન સંચાલક નીતા પટેલ અને ડ્રાઇવર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.