વિઠ્ઠલ રાદડિયાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : પૂર્વ સાંસદ અને ભાજપના મોટા ગજાના નેતા એવા વિઠ્ઠલભાઇ રાદડિયાનું દુઃખદ નિધન થયા બાદ જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને આજે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કેબીનેટ મંત્રી અને વિઠ્ઠલભાઇના પુત્ર જયેશ રાદડિયાએ સ્વર્ગસ્થના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો ત્યારે ભારે કરૂણ અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જયેશ રાદડિયા એક તબક્કે હૈયાફાટ રૂદન કરી ભાંગી પડયા હતા ત્યારે સ્વજનોએ તેમને ભારે દિલાસો આપ્યો હતો. સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની આજની અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

અંતિમયાત્રા નીકળતા બીજીબાજુ, ધોધમાર વરસાદ પણ શરૂ થયો હતો. પરંતુ વરસતા વરસાદમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જાડાયેલા રહ્યા હતા. આખરે પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપી હતી. ત્યારબાદ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. આ દરમ્યાન જયેશ રાદડિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્‌યા હતા. અંતિમયાત્રા નિવાસસ્થાનેથી નીકળતા જ હજારો લોકોની આંખોમાંથી આંસુ સરી પડ્‌યા હતા.

શણગારેલી શબવાહિનીમાં આગળ વિઠ્ઠલભાઇનો સાફાવાળો ફોટો રાખવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં જય જવાન જય કિસાન, વિઠ્ઠલભાઇ તમે અમર રહોના નારા લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા. ખેડૂતોમાં પણ ગમગીની જોવા મળી હતી. અંતિમસંસ્કાર જામકંડોરણાના સ્મશાનમાં કરવામાં આવી હતી. વિઠ્ઠલભાઇની અંતિમયાત્રામાં દરેક સમાજના લોકો જોડાયા હતા. એટલું જ નહી, ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.

Share This Article