વિસ્મય મંડળીને હાઇકોર્ટથી આખરે જામીન મળતા રાહત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : રાજ્યભરમાં ચકચાર મચાવનાર બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ સાથે મળી મિત્રો સાથે દારૂ-હુક્કાની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપાઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં વિસ્મય શાહ આણિમંડળીના ગુજરાત હાઇકોર્ટે આજે આખરે વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા હતા. જો કે, સરકારપક્ષ તરફથી વિસ્મય શાહ આણિમંડળીની જામીનઅરજીનો ઉગ્ર વિરોધ કરાયો હતો અને હાઇકોર્ટ સમક્ષ માંગણી કરાઇ હતી કે, હાઇકોર્ટે આરોપીઓને સીધેસીધા જામીન આપી દેવા જાઇએ નહી, હાઇકોર્ટે ખરેખર મેટર એડમીટ કરી સરકારપક્ષને પણ રજૂઆતની તક આપવી જાઇએ અને તેથી સરકાર તેનો પક્ષ રાખી શકે તે હેતુથી કેસ પેપર્સ જાવા અને તેના અભ્યાસ માટે સમય આપવો જોઇએ.

સરકારપક્ષની આ રજૂઆત બાદ હાઇકોર્ટના જસ્ટિસ એ.સી.રાવે વિસ્મય શાહ સહિતના છ આરોપીઓની જામીનઅરજીની મેટર દાખલ કરી હતી અને કેસની વધુ સુનાવણી તા.૯મી જાન્યુઆરીના રોજ મુકરર કરી હતી. હાઇકોર્ટે અમદાવાદ નહી છોડવા સહિતની કેટલીક આકરી શરતોને આધીન આરોપી વિસ્મય અમિતભાઇ શાહ, પૂજા વિસ્મય શાહ, ચિન્મય પટેલ, હર્ષિત મજમુદાર, મંથન શ્યામ ગણાત્રા અને મીમાંશા કશ્યપ બુચ એમ છ આરોપીઓને શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. વિસ્મય શાહ સહિતના આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ યોગેશ એસ.લાખાણી અને એડવોકેટ વિરાટ પોપટે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદાર વિરૂધ્ધ જામીનપાત્ર ગુનો છે અને તેથી તેઓને જામીન મળવાપાત્ર છે.

નોનબેલેબલ ગુનો જ ના હોઇ અરજદારોને જામીન નહી આપવા માટેનું કોઇ કારણ નથી.  પ્રસ્તુત કેસમાં પોલીસે ખોટી રીતે વધારાની કલમો દાખલ કરી દીધી છે. વાસ્તવમાં કોમર્શીયલ કવોન્ટીટી કે તેવો કોઇ સવાલ જ પ્રસ્તુત કેસમાં આવતો નથી પરંતુ તેમછતાં પોલીસે મનસ્વી રીતે કાર્યવાહી કરી કલમો ઉમેરી દીધી છે. બાકી કેસમાં જામીનપાત્ર ગુનો હોઇ અરજદારોને ખોટી રીતે જેલમાં રાખવાનો કોઇ અર્થ નથી. આ દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ હાઇકોર્ટે વિસ્યમ સહિત તમામ છ આરોપીઓને વચગાળાના જામીન આપ્યા હતા. હાઇકોર્ટમાં એક પછી એક ત્રણ જજા સમક્ષ જામીનઅરજીની મેટર નોટ બી ફોર મી થયા બાદ આજે આખરે વિસ્મય આણિમંડળીને જામીન મળી જતાં  તેઓને કંઇક અંશે રાહત મળી હતી.

આઠ દિવસ જેલમાં ગાળ્યા બાદ આખરે વિસ્મય શાહ આણિમંડળીને વચગાળાના જામીન મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિસ્મય શાહની જામીનઅરજી સૌપ્રથમ હાઇકોર્ટના સીંગલ જજ જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ નોટ બી ફોર મી કરી હતી. તેના બીજા દિવસે જ જસ્ટિસ એ.પી.ઠાકરે પણ વિસ્મય શાહની જામીનઅરજીની સુનાવણી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને આ કેસની જામીનઅરજીની મેટર નોટ બી ફોર મી કરી હતી. આમ હાઇકોર્ટના બંને જજ દ્વારા વિસ્મયની મેટર નોટ બી ફોર મી થતાં તેની મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારબાદ એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવેએ મેટર જસ્ટિસ વી.બી.માયાણીની કોર્ટમાં સુનાવણી અર્થે મોકલી હતી. જા કે, જસ્ટિસ માયાણીએ પણ વિસ્મય શાહની મેટર નોટ બી ફોર મી કરી હતી. ત્યારબાદ આજે મેટર જસ્ટિસ એ.સી.રાવની કોર્ટમાં આવતાં તેમણે કેસની સુનાવણી હાથ ધરી હતી અને વિસ્મય સહિત તમામ છ આરોપીઓને વચગાળાના જામીન આપ્યા હતા.

Share This Article