અમદાવાદ : રાજ્યભરમાં ચકચાર મચાવનાર બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ સાથે મળી મિત્રો સાથે દારૂ-હુક્કાની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપાઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આજે વિસ્યમ શાહ સહિતના તમામ છ આરોપીઓના જામીન આકરા વલણ સાથે ફગાવી દીધા હતા. સેશન્સ કોર્ટે વિસ્મય સહિતના આરોપીઓની જામીન અરજી ફગાવી દઇ તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સામાન્ય રીતે પ્રોહીબીશનના કેસમાં કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપી દેવાતા હોય છે પરંતુ પ્રસ્તુત કેસમાં આરોપી વિસ્મય શાહ ચકચારભર્યા હીટ એન્ડ રન કેસમાં બે યુવકોના મોત નીપજાવવા બદલ પાંચ વર્ષની સજા પામી ચૂકયો છે અને તેની સજા સામેની અપીલ ગુજરાત હાઇકોરક્ટમાં પડતર છે.
એટલું જ નહી, હાઇકોર્ટે પણ તેને આકરી શરતો સાથે જામીન આપેલા છે ત્યારે તેમછતાં વિસ્મય શાહ દારૂ-હુક્કાની મહેફિલ માણતાં પકડાવાની ગુનાહિત કૃત્યોમાં પકડાતાં કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને ભારે નારાજગી વ્યકત કરી હતી. ગાંધીનગર સેશન્સ કોર્ટે વિસ્મય સહિતના આરોપીઓની જામીનઅરજી ફગાવી દેતાં હવે વિસ્મય શાહ સહિત આ તમામ આરોપીઓએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ન્યુ યરની શરૂઆત જેલમાં જ ગાળવી પડે તેવી શકયતા છે. કારણ કે, ગાંધીનગર સેશન્સ કોર્ટના જામીન રદ કરવાના હુકમ સામે વિસ્મય શાહ સહિતના આરોપીઓ દ્વારા હવે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવી પડશે. સંભવતઃ સોમવારે જામીન અરજી ફાઇલ કરી દેવાય તેવી શકયતા છે.
હાઇકોર્ટ પ્રાથમિક સુનાવણીમાં તપાસનીશ એજન્સીને નોટિસ જારી કરે અને વધુ સુનાવણીમાં મુદત પાડે તો વિસ્મય સહિતના આરોપીઓને નવા વર્ષનો પ્રારંભ જેલમાં જ કરવો પડે તે નક્કી છે. જેને લઇ વિસ્મય શાહ સહિતના આરોપીઓની મુશ્કેલી વધી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિસ્મય શાહે થોડા સમય પહેલાં જ હનીમૂન માટે વિદેશ જવા તેના જામીનની શરતોમાં સુધારો કરવા અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટે તેને કોઇ રાહત આપી ન હતી અને ત્યાં જ ફરી એકવાર અડાલજ ખાતે આવેલા એક લક્ઝ્રુરિયસ બંગલામાંથી બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય અમિતભાઇ શાહ તેની પત્ની પૂજા શાહ, વિસ્મય શાહના સાળા એવા ગાયનેકોલોજિસ્ટ અને પૂર્વ ધારાસભ્યનો પૌત્ર ડો.ચિન્મય પટેલ અને તેની રશિયન પત્ની, હર્ષિત મજુમદાર, આર્કિટેક્ટ મંથન ગણાત્રા, અને વીએસ હોસ્પિટલની ડોક્ટર મિમાંશા કશ્યપ બૂચ ઝડપાઇ ગયાં હતાં. ચકચારભર્યા આ કેસમાં આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે તમામના રિમાન્ડ નામંજૂર કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. બાદમાં વિસ્મય સહિતના આરોપીઓએ જામીન મેળવવા માટે અરજી કરી હતી પરંતુ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે તમામ આરોપીઓની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી. વિસ્યમ હાઈકોર્ટમાં અરજી કરવા તૈયાર છે.