મણિપુરના હિંસાગ્રસ્ત ચુરાચંદપુર જિલ્લામાં અજાણ્યા બદમાશોએ વન વિભાગની ઇમારતને આગ ચાંપી દીધી છે, જ્યારે જિલ્લામાં શનિવારથી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, લોકોના એક જૂથે મધ્યરાત્રિએ તુઇબોંગ વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ઓફિસ બિલ્ડિંગમાં આગ લગાડી હતી, જેને અનેક ફાયર એન્જિનોએ ઓલવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આગમાં લાખો રૂપિયાની જાહેર સંપત્તિ કથિત રીતે નાશ પામી હતી, અને ઘણા સત્તાવાર દસ્તાવેજો બળી ગયા હતા. એક સત્તાવાર સૂચના અનુસાર, આગામી આદેશ સુધી શનિવારથી સવારે ૫ વાગ્યા સુધી જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ફોજદારી કાર્યવાહી ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે, અને મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ રહેશે. પોલીસ અધિકારીએ કહ્યું, “સ્થિતિ હજુ પણ ગંભીર છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે શહેરના તમામ મુખ્ય આંતરછેદો અને મુખ્ય વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સુરક્ષા દળોએ લાઠીચાર્જનો આશરો લીધો હતો અને ટીયર ગેસ અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિકોએ દાવો કર્યો હતો કે, ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) દ્વારા ૪ વાગ્યા સુધી બોલાવવામાં આવેલા બંધને પગલે પોલીસ કાર્યવાહીમાં કેટલાક લોકો માર્યા ગયા હતા, અને કેટલાક ઘાયલ થયા હતા. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે, શુક્રવારે ચુરાચંદપુર જિલ્લાના નવા લમકા વિસ્તારમાં સદભાવના મંડપમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમણે કહ્યું કે, જ્યાં આ ઘટનાઓ બની હતી ત્યાં મુખ્યમંત્રી એન. બિરેન સિંહ (ઝ્રસ્ બિરેન સિંહ) એક જાહેર સભાને સંબોધવાના હતા, પરંતુ દેખાવો અને બંધના એલાનને ધ્યાનમાં રાખીને તેમણે ચુરાચંદપુર જવાનો પ્લાન મોકૂફ રાખ્યો હતો. સ્થાનિક આદિવાસીઓ દ્વારા કુકી ગ્રામવાસીઓને સંરક્ષિત જંગલ વિસ્તારોમાંથી બહાર કાઢવાના વિરોધમાં આઠ કલાકના બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને અહીંના જીવનને ગંભીર અસર થઈ હતી. સિંઘે જોકે, વિરોધ અને બંધના એલાનને કારણે પ્રવાસ રદ કર્યો હતો. ગુરુવારે વિરોધકર્તાઓએ જે સ્થળે મુખ્યમંત્રી આવવાના હતા ત્યાં હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ સ્થળ પર લગભગ ૧૦૦ ખુરશીઓ અને અન્ય સાધનોને આગ ચાંપી દીધી હતી.