અમદાવાદ : ભાજપની કેન્દ્રીય યોજના અંતર્ગત સમગ્ર દેશમાં ‘‘વિજય સંકલ્પ બાઇક રેલી’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભારતભરમાં અંદાજે ૩ કરોડ મોટર બાઇક સવાર યુવાનોએ જુદા જુદા વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળી નવા ભારતના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જનકલ્યાણ માટે થયેલ કામગીરીઓની માહિતી જનજન સુધી પહોચાડવા તેમજ ભારતને પુનઃ વિશ્વગુરૂ બનાવવા માટે સંકલ્પ લીધો હતો.
આ વિજય સંકલ્પ બાઇક રેલી કાર્યક્રમ અંતર્ગત આજે ગુજરાતભરમાં પ્રત્યેક ૧૮૨ વિધાનસભા ક્ષેત્ર સહિત ૨૪૫ સ્થાનો ઉપર ભાજપના ચાર લાખ યુવાનો દ્વારા બાઇક રેલીઓ યોજાઇ, જેમાં ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર અમદાવાદ ખાતે વિજય સંકલ્પ બાઇક રેલીમાં જોડાયા હતા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ભાવનગર ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહેસાણા ખાતે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા સુરત ખાતે, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પાલીતાણા ખાતે તથા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડા. ઋત્વિજ પટેલ ભાવનગર ખાતે વિજય સંકલ્પ બાઇક રેલીમાં જોડાયા હતા.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી વિજય સંકલ્પ બાઇક રેલી કાર્યક્રમ બાદ ભાવનગર ખાતે ‘‘સ્વચ્છતા એજ સેવા’’ કાર્યક્રમ અંતર્ગત શ્રમદાન કરીને સ્વયં સફાઈ કાર્યમાં જોડાયા હતા તેમજ સફાઈ કર્મચારીઓને હાર પહેરાવીને સન્માનીત કર્યા હતા. સ્વચ્છતા એજ સેવા સફાઇ અભિયાન કાર્યક્રમમાં વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો મંત્ર આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આ મંત્રને જન આંદોલનમાં પરિવર્તિત કર્યો છે ત્યારે આપણા સ્વચ્છ ગુજરાતનું સ્વપ્ન સુપેરે સાકાર કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ તેમજ અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા પ્રોત્સાહિત કરીએ.