અમદાવાદ : અડાલજ ત્રિમંદિરમાં દાદા ભગવાનની ૧૧૧મી જન્મજ્યંતિની ઉજવણી આજે કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની ધરતી પર ઉજવાઈ રહેલો આ ઉત્સવ આધ્યાÂત્મક ચેતના અને દિવ્યતા ઉજાગર કરનારો મહોત્સવ બનશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે તા.૧૮ નવેમ્બરના રોજ રવિવારે સવારે ૧૦ વાગ્યે અડાલજ ત્રિમંદિર પાસે દાદા ભગવાન પરિવાર દ્વારા ઉભી કરાયેલી બહુ અદ્ભુત અને અનોખી એવી જોવા જેવી દુનિયાની મુલાકાત લીધી હતી.
આ ઉત્સવના ભાગરૂપે બનેલા થીમ પાર્કના બે આકર્ષક અને જ્ઞાનસભર શો મુખ્યમંત્રીશ્રીએ નિહાળ્યા હતા. તેમાંથી એક ૨૦ મિનિટનો શો કર્તા કોણ? જેમાં ૪ ડી એક્સપીરિયન્સના માધ્યમથી આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથીની યથાર્થ સમજણ દ્વારા ઉદ્વેગના પ્રસંગોમાં મનની શાંતિ પ્રાપ્ત થાય છે. અને બીજો ૧૫ મિનિટનો ટુર ટુ મહાવિદેહ શો, જેમાં ૩ ડી પ્રોજેક્શન મેપિંગના માધ્યમ દ્વારા ધર્મના મતમતાંતર ટાળી આત્મધર્મને ઉજાગર કરવાના હેતુથી વર્તમાન તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીની સાચી ઓળખ મળે છે. બંને શો માણ્યા પછી મુખ્યમંત્રીશ્રીએ પ્રેઝન્ટેશનના નવીન માધ્યમો વડે લોકોને ગહન સંદેશ પહોંચાડવાના પ્રયાસને વખાણ્યો હતો, તેમજ જોવા જેવી દુનિયા મહોત્સવની વ્યવસ્થા, શિસ્તબદ્ધતા અને સેવાર્થીઓની સમર્પિતતાની પણ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ ૧૧ દિવસનો મહોત્સવ નવા વર્ષે સમગ્ર દેશને એક નવી અને ઉંચા દિશાદર્શન પ્રદાન કરશે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાળીઓના ગડગડાટ વચ્ચે સત્સંગ હોલમાં પધારી પરમ પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય નીરુમાની છબીને પુષ્પમાળા અર્પણ કર્યા હતા. તેઓશ્રએ પ્રત્યક્ષ જ્ઞાની પૂજ્ય દીપકભાઈને પવિત્રા અર્પણ કરી આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે જ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરી પ્રશ્નોત્તરી સત્સંગ સાંભળ્યો હતો. ત્યારબાદ લગભગ ૩૦,૦૦૦ થી પણ વધુ જનમેદનીને સંબોધીને મુખ્યમંત્રીશ્રીએ દાદા ભગવાનની ૧૧૧મી જન્મજયંતી નિમિત્તે ઈશ્વરપ્રાપ્તિ એટલેકે જન્મ-મરણના ફેરામાંથી આત્માની મુક્તિ માટે, ધર્મ અને સાયન્સ થકી સત્ય તરફ જવા પ્રેરણા આપતા અક્રમ વિજ્ઞાન માટે, તથા પૂજ્યશ્રી દ્વારા આ પ્રવૃતિને મળતા વેગ માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતની ધરતી ઉપર ઉજવાતા આવા પવિત્ર ઉત્સવ થકી ગુજરાત આધ્યાત્મિક ચેતના અને દિવ્યતા જગાવનારું ગુજરાત બને અને સુરક્ષિત, સલામત, સમૃદ્ધ ગુજરાતમાં સંસ્કાર, સંસ્કૃતિ, શુદ્ધ ભાવના સહિતના શોષણ મુક્ત અને સમતા યુક્ત સમાજની રચના થાય તેવી ઉત્કૃષ્ટ ભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ ભવ્ય આયોજન થકી, ૨૩ જેટલી થીમ સાથે લોકો સરળતાથી ધર્મની ગહનતા, તેમજ આત્માથી પરમાત્મા, જીવથી શિવ, વ્યક્તિ થી સમષ્ટિની સમજ પ્રાપ્ત કરે છે. આ ૧૧ દિવસનો ઉત્સવ નવા વર્ષે દેશને દિશાદર્શન આપશે, જેમાં આધ્યાત્મ જે ભારતની તાકાત છે તે બળ પૂરું પાડશે, અને આવનારું વર્ષ ભારતના ઋષિમુનિઓ, સાધુ-સંતો અને જ્ઞાનીઓએ આપેલી વિરાસતને ઉજાગર કરનારું બનશે તેવા ભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ પૂજ્યશ્રીને વંદન કરી, જનતાનો આભાર માન્યો હતો. પૂજયશ્રી દીપકભાઈએ પણ રૂપાણી સાહેબ માટે આશીર્વચનો પાઠવ્યા હતા. તેમણે ભારત વર્લ્ડનું આધ્યાત્મિક કેન્દ્ર બનશે એવા દાદાશ્રીના કથનને યાદ કરીને કહ્યું હતું કે હિન્દુસ્તાન વર્લ્ડનું આધ્યાત્મિક કેન્દ્ર બનીને રહેશે જ !
તેઓશ્રીએ ઉમેર્યું હતું કે અક્રમ વિજ્ઞાન જે જીવનને ક્લેશ રહિત બનાવનારું છે, તે ભારતના રાજ્યોના જ નહી, પણ દેશ વિદેશના લાખો લોકો પામી રહ્યાં છે અને તેવા વિદેશના ૪૦૦૦ થી વધુ એન.આર.આઈ અને ફોરેનર્સ આ ઉત્સવમાં જોડાયા પણ છે. અંતે, પૂજ્યશ્રીના હસ્તે શ્રી સીમંધર સ્વામીની સુવર્ણ છબીરૂપી પ્રસાદી દ્વારા રૂપાણી સાહેબનું બહુમાન કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાતથી આધ્યાત્મના ક્ષેત્રે અક્રમ વિજ્ઞાન થકી જગતમાં સુખ અને શાંતિ ફેલાવવાના આશયને પ્રોત્સાહન મળ્યું હતું.