‘વિકીડાનો વરઘોડો’ આ ફિલ્મનું ટ્રેલર હમણાં જ લોંચ થયું છે. તે જોઈ લોકોમાં ફિલ્મ વિષે ઉત્સુકતા વધી છે, ખાસ કરીને ગુજરાતીઓમાં આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. કારણ કે ટ્રેલર ફન અને એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર છે.
લગ્ન પહેલાનો માહોલ, ડર વગેરે વિષે તો ઘણી બધી ફિલ્મોમાં વાત થઇ હશે. પરંતુ આ ટ્રેલરનાં ખાસ પાત્રો અને એમની વિશેષ શૈલી આ ફિલ્મને અલગ બનાવે છે. મલ્હાર ઠાકર અને શરદ પટેલની સુપરહિટ જુગલબંધી તેમની ધમાકેદાર હિટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’પછી ઘણા વખત પછી મોટા પરદે આવી રહી છે. ‘છેલ્લો દિવસ’ ફિલ્મ આજ સુધીની ગુજરાતી સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર્સમાંની એક છે.
આ ફિલ્મ શરદ પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે, જેમણે અગાઉ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા “ધ તાશ્કંદ ફાઇલ્સ” અને વિવેચકો દ્વારા વખાણાયેલી “બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ” આ ફિલ્મો સર્જી હતી.
“વિકીડા નો વરઘોડો” આ ફિલ્મ રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લિખિત, દિગ્દર્શિત અને સંપાદિત છે, જેમાં મલ્હાર ઠાકર, એમ મોનલ ગજ્જર, માનસી રાચ્છ અને જીનલ બેલાણી જેવા લોકપ્રિય ગુજરાતી સ્ટાર્સ છે. આ પારિવારિક મનોરંજન આપતી ફિલ્મ છે.
ટ્રેલરની વાત કરીએ તો દરેક પાત્ર આ ફિલ્મમાં પોતાનામાં અનોખા છે, તમારું દિલ જીતી તમને હસાવવા માટે જ છે. આ ફિલ્મનું ટીઝર એનિમેટેડ ભવાઈ સાથે અનોખી રીતે લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે ગુજરાતી ફિલ્મના ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ટીઝર જોઈ પાત્રોનો પરિચય થતા એમને ફિલ્મ વિષે વધુ પૂછવામાં આવ્યું હતું.
આ ફિલ્મનું નિર્માણ એસપી સિનેકોર્પના શ્રેયાંશી પટેલ અને શરદ પટેલ દ્વારા તથા અજય શ્રોફ, વિકાસ અગ્રવાલ, જાનવી પ્રોડક્શન્સના પંકજ કેશરુવાલા અને રીષિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નીરવ પટેલના સહયોગથી કરવામાં આવ્યું છે. સન આઉટડોર્સના પ્રિતેશ શાહ આ ફિલ્મના સહ-નિર્માતા છે.
કોઈ પણ ઉંમરનાં વ્યક્તિને ગમે એવી આ ફિલ્મની કથા છે. વિકીના પાત્રને લઇ નિર્માતાઓ એક સામાન્ય વ્યક્તિ અને તેના પ્રેમ-જીવનની અત્યંત મનોરંજક વાર્તા સાથે આવી રહ્યા છે. જેમાં વિકીનાં પ્રેમની શરૂઆત કેવી રીતે થાય છે? આગળ કેવી રીતે વધે છે? અને અંત કેવી રીતે થાય છે? વગેરે વિશેની ઘટનાઓ તમને વિચારતા કરી દેશે. તમારું શું માનવુ છે, વિકી કોને પસંદ કરશે?